પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં 90 ટકાથી વધુ ઐતિહાસિક મતદાન બાદ પરિણામો પણ એવાં જ ઐતિહાસિક અને ચમત્કારિક

copy image

copy image

 પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં 90 ટકાથી વધુ ઐતિહાસિક મતદાન બાદ પરિણામો પણ એવાં જ ઐતિહાસિક અને ચમત્કારિક આવ્યાં છે. પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મતદારોએ ત્રણ કાર્યકાળ સુધી મુખ્યમંત્રી રહેલાં મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસને કચડીને આમૂલ પરિવર્તન લાવતાં તૃણ એટલે કે ઘાસનાં તણખલા ઉપર કમળનાં ફૂલ ખીલવી દીધાં છે. 15 વર્ષે મમતારાજનો અંત આવ્યો છે, તો મમતા બેનરજી ભવાનીપુરમાં શુભેન્દુ અધિકારી સામે પરાજિત થયાં છે.. રાજ્યમાં વારાફરતી સત્તા સંભાળતા આવેલા દ્રમુક અને અન્નાદ્રમુકને જાકારો આપીને મતદારોએ ત્રીજી શક્તિને શિરપાવ આપ્યો છે, સ્ટાલિન પરાજીત થયા છે જ્યારે આસામમાં ભાજપે વિજયની હેટ્રિક સર્જી છે અને હિમંતાનાં રાજ ઉપર ફરીથી જનતાએ વિશ્વાસ મૂક્યો છે. બંગાળમાં મમતારાજથી ત્રસ્ત મતદારોએ ભાજપને કહી દીધું છે… આમી તોમાકે ભાલો બાસી… કેસરિયા પક્ષને આખરે મતદારોનો પ્રેમ મળ્યો છે. પોંડીચેરીમાં પણ ભાજપે સહયોગી દળો સાથે મળીને સત્તામાં પુનરાગમન કર્યું છે. આ ચૂંટણી પરિણામોનું રાજકીય તાત્પર્ય કાઢીએ તો જોવા મળ્યું છે કે, તૃણમૂલ, ડીએમકે, એલડીએફ જેવી પ્રાદેશિક તાકાતો ક્ષીણ થઈ છે અને તેની સામે રાષ્ટ્રીય વિકલ્પ એટલે કે ભાજપ અને કોંગ્રેસ જનતાનો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળ થયા છે.