યુએઈમાં હુમલામાં ત્રણ ભારતીય ઘવાયા : મોદી નારાજ
copy image

પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના ફુજૈરાહ તેલ ઉદ્યોગ ક્ષેત્રમાં ડ્રોન હુમલામાં ત્રણ ભારતીયને પહોંચેલી ઈજાની તીવ્ર પ્રતિક્રિયા આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકો અને માળખાંકીય સુવિધાઓ પરના હુમલા તાત્કાલિક બંધ કરવાની ચેતવણી આપી હતી. સતાવાર માહિતી અનુસાર વડાપ્રધાને સોશિયલ મીડિયા પર બતાવ્યું હતું કે યુએઈમાં થયેલા હુમલાની આકરી નિંદા કરું છું જેમાં ત્રણ ભારતીય નાગરિકને ઈજા પહોંચી હતી. સામાન્ય નાગરિક અને માળખાંકીય સુવિધાઓને નિશાન બનાવવાનું કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી.તેમજ ભારત યુએઈની સાથે એકજૂટ છે અને વાતચીત તથા કુટનીતિના માધ્યમથી તમામ મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાન માટે પોતાના સમર્થનનો પુનરોચ્ચાર કરે છે. ફુજૈરાહ શહેર પર હુમલો એવા સમયે થયો છે જ્યારે હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને લઈને તણાવની સ્થિતિ બનેલી છે. હોર્મુઝ વિસ્તારમાંથી દુનિયાના વીસ ટકા ઓઈલ અને ગેસનું પરિવહન થાય છે અને આ ક્ષેત્ર બંને દેશ વચચે વાતચીતમાં એક મુખ્ય અવરોધ બનીને સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે યુએઈના ફુજૈરાહ વિસ્તારમાં ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા હતા. ફુજૈરાહ મીડિયા ઓફિસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે ત્રણ ઘાયલ વ્યક્તિને નાની ઇજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.