પંજાબના જલંધર અને અમૃતસરમાં બે શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા
copy image

પંજાબમાં મંગળવારની રાતે જલંધર અને અમૃતસરમાં થયેલા બે શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટથી ગભરાટ ફેલાઈ ગયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બન્ને ધડાકાની પ્રાથમિક તપાસ બાદ અમૃતસરમાં પત્રકાર પરિષદમાં પંજાબના ડીજીપી ગૌરવ યાદવે મોટો ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે, બન્ને સ્થાને આઈઈડીનો ઉપયોગ કરીને વિસ્ફોટ કરાયા હતાં. તેમણે જણાવ્યું કે, ટાઈમર કે રિમોટ કંટ્રોલથી આ વિસ્ફોટ કરવામાં આવ્યા હોવાની આશંકા છે. આટલું જ નહીં તેમણે આ કરતૂત પાછળ પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈની ભૂમિકા હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી. તેમજ ઓપરેશન સિંદૂરની વરસીના હિસાબે આવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે.. મુખ્યમંત્રી ભગવંત માને આરોપ મૂકતાં કહ્યું હતું કે, આ ભાજપે રચેલું ષડયંત્ર છે. ભાજપ આવી હરકતો બંધ કરે. તેમણે એ યાદ અપાવ્યું કે, પ. બંગાળમાં જીત્યા પછી ભાજપના નેતાઓએ `હવે પંજાબનો વારો’ એલાન કર્યું હતું. ભાજપ ગ્રાઉન્ડ ઊભું કરી રહ્યો છે એવો આક્ષેપ કર્યો હતો.દરમિયાન જલંધર અને અમૃતસરમાં થયેલા આ વિસ્ફોટની જવાબદારી લેનાર કથિત ખાલિસ્તાન લિબરેશન આર્મી (કેએલએ) મુદ્દે પણ પોલીસે સંશય વ્યક્ત કર્યો હતો.. ઉલ્લેખનીય છે કે, મંગળવારની રાતે 8.1પ કલાકના સુમારે જલંધરમાં બીએસએફનાં વડામથક બહાર એક સ્કૂટીમાં ધડાકો થયો હતો અને તે એટલો તીવ્ર હતો કે પરિસરની દીવાલો પણ હચમચી ગઈ હતી. જો કે, આ ધડાકામાં જાનમાલની કોઈ હાનિ થઈ નહોતી. ત્યારબાદ 10.પ0 આસપાસ અમૃતસરમાં ભારત-પાક. સીમા નજીક ખાસા ક્ષેત્રમાં પણ બીએસએફની છાવણી પાસે જોરદાર ધડાકો થયો હતો. અહીં બે નકાબધારી હુમલાખોરોએ બાઈક ઉપરથી નીકળીને વિસ્ફોટકને હવામાં ઉછાળીને બીએસએફનાં મથક તરફ ફેંક્યા હોવાનું કહેવાય છે. આ મામલે જલંધરમાં જે સ્કૂટીમાં ધડાકો થયો તે ગઢા વિસ્તારના રહેવાસી ગુરપ્રીત સિંહનું હતું અને તેની અટકાયત કરી લેવામાં આવી છે. ગુરપ્રીત એક પૂર્વ બીએસએફ જવાનનો પુત્ર છે. તે ફ્લિપકાર્ટમાં કામ કરે છે. તે બીએસએફનાં મુખ્યાલયમાં પાર્સલ આપવા ગયો હતો અને હેલ્મેટ ન પહેરી હોવાનાં કારણે તેને અંદર જવા દેવાયો ન હતો, જેને પગલે તેણે સ્કૂટી દૂર પાર્ક કર્યું અને પછી અંદર પાર્સલ આપવા ગયો હતો. આ દરમિયાન સ્કૂટીમાં વિસ્ફોટ થયો હતો.