‘ભલે મને બરખાસ્ત કરી દે, હું રાજીનામું નહીં આપું’, મમતા બેનરજી
copy image

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હાર પછી પણ સત્તા છોડવા માટેની કોઇ જ માનસિક તૈયારી ન હોય તેમ મમતા બેનરજીએ બુધવારે ફરી એકવાર બતાવ્યું હતું કે, હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપું. ભલે મને બરખાસ્ત થવા દો. વિધાનસભાની અંદર વિરોધ કરીશ અને ભાજપે ચૂંટણીમાં ગરબડ કરી છે, તે મુદ્દાને લઇને સુપ્રીમ કોર્ટમાં જઇશ, તેવું સત્તા નહીં છોડવાની હઠ પકડી બેઠેલાં તૃણમૂલ સુપ્રીમોએ કહ્યું હતું. ભાજપે મમતાની `રાજહઠ’ને બંધારણીય નિયમોનાં ઉલ્લંઘનનું કૃત્ય લેખાવ્યું હતું. મહારાષ્ટ્રના મંત્રી અને કેસરિયા પક્ષના નેતા મંગલપ્રભાત લોઢાએ કહ્યું હતું કે, આ બંધારણનું અપમાન છે. બંગાળની `રાષ્ટ્રવાદી’ જનતાએ મમતાને મજબૂત પાઠ ભણાવ્યો છે. નવા ચૂંટાયેલા તૃણમૂલ ધારાસભ્યો સાથે બુધવારે બેઠક કરતાં મમતાએ નવા સભ્યોને વિધાનસભામાં કાળાં કપડાં પહેરીને વિરોધ કરવા આહ્વાન કર્યું હતું. બેનરજી બોલ્યાં હતાં કે, કેન્દ્ર સરકાર ઇચ્છે તો મને બરખાસ્ત કરે, રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે, પણ રાજીનામું નહીં આપું. વિધાનસભાના પહેલા દિવસે કાળાં કપડાં પહેરી એ દિવસ `કાળા દિવસ’ તરીકે ઊજવશું. જે લોકોએ દગો આપ્યો છે, તેમને પક્ષમાંથી બહાર કરાશે.