*ભુજ તાલુકાના કોડકી ગામ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ*

*પર્યાવરણના જતન માટે સારા પ્રસંગોએ અચૂક ચેતન દેવતા સમાન વૃક્ષોના રોપણ અને તેની માવજત કરવા સંકલ્પબદ્ધ થવા રાજ્યપાલશ્રીની અપીલ*

*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*

*- ભાવિ પેઢીને ઉન્નત કરવા શિક્ષણની સુદઢ્તા જરૂરી*

*-ભૂગર્ભ જળ વધારવા વર્ષાજળની બચત કરવી આજની જરૂરિયાત છે*

*–બાળકોને વ્યસનથી દૂર રાખી તેને સંસ્કારોથી પોષિત કરો*

*– ખેતીની આવક વધારવા પ્રાકૃતિક ખેતી સાથે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બ્રિડિંગ થયેલા દુધાળા પશુઓ ખેડૂતો માટે વરદાનરૂપ*

*–  સ્વચ્છતાને રોજિંદા જીવનનું અંગ બનાવવા ગ્રામજનોને અપીલ*

 કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દિવસની રાત્રિએ ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત ભુજ તાલુકાની કોડકી ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વર્ષાજળની બચત, વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, વ્યસનમુક્તિ અને શિક્ષણ જેવા વિષયો ઉપર ભાર મુક્યો હતો. 

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ કોડકી ગામને સ્વચ્છ બનાવવા દરેક ગ્રામજનને પોતાના ઘરની જેમ ગામની શેરી, ફળિયું અન્ય જાહેર વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી ગામને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતાને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. આ સાથે જ માત્ર વૃક્ષોરોપણ નહીં પરંતુ વૃક્ષોનું જતન અને માવજત કરવા પણ ખાસ સૂચન કર્યું હતું.  તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કચ્છને વધુ ચાહે છે ત્યારે તેમના સંકલ્પો “એક પેડ માં કે નામ”, “સ્વચ્છતા અભિયાન” માં વગેરેમાં દરેક નાગરિક ફાળો આપે તે જરૂરી છે. આ માટે તેમણે જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ વૃક્ષારોપણ કરવા તેમજ બીજો જન્મ દિવસ કે લગ્નનની વર્ષગાંઠ ન આવે ત્યાં સુધી તેનું જતન કરવા સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. 

આજના દોડધામ ભર્યા જીવનમાં સ્વાસ્થ્યને જાળવી રાખવા રાજ્યપાલશ્રીએ દરેક પરિવારના વડીલોને ખૂદ તમાકુ, દારૂ કે ગુટકા જેવા વ્યસનોથી દુર રહેવા તથા પોતાના બાળકોને દૂર રાખવા સલાહ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ઝેરમુક્ત ખેતી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ત્યારે તેને અપનાવવા તેમજ સ્વસ્થ જીવન જીવવા પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદવા અનુરોધ કર્યો હતો. 

આ પ્રસંગે તેમણે ગ્રામજનોને ભુગર્ભ જળને વધારવા વધુને વધુ તળાવ બનાવવા તેમજ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા જણાવ્યું હતું. ખેડૂતોને તેમણે ખેતી સાથે અન્ય આવક વધારવા પશુપાલનમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સંવર્ધન કરવા ખાસ સૂચન કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉગતી પેઢી ભારતની આવતી કાલ છે તેથી તેમણે માતા-પિતા તથા વડીલોને બાળકોને સંસ્કારી બનાવવા તથા મોબાઈલ– ટીવી વગેરેથી દૂર રાખીને માત્ર ઉચ્ચ શિક્ષણ નહી પરંતુ કોઈપણ સ્કિલ્ડ કોર્ષ કરાવવા અનુરોધ કર્યો હતો.  

ગામના ખેડૂતોને સંબોધતા તેમણે યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી ‘પ્રાકૃતિક કૃષિ’ અપનાવવા અને ખેતીની સાથે પશુપાલન દ્વારા આવક વધારવા અપીલ કરી હતી. 

આ ગ્રામસભામાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, ડીઆરડીએના ડાયરેક્ટરશ્રી નિકુંજ પરીખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિજયાબેન પ્રજાપતિ, ખેતીવાડી વિભાગના અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગનો અધિકારીશ્રીઓ, સરપંચશ્રી, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.