દેવળિયા નજીક 6.40 લાખનો શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ઝડપાયો

અંજાર તાલુકાના વીડી-દેવળિયા રોડ, દેવળિયાની સીમમાં કન્સ્ટ્રકશનની સાઇટ ઉપર આવેલા કન્ઝયુમર પંપ ઉપર પોલીસે રેડ પાડતા રૂા. 6,40,000નો શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ જપ્ત કરી ત્યાં જ સીઝ કર્યો હતો. આ બનાવમાં હાલમાં બે શખ્સો સામે ગુનો નોંધાયો છે.મળતી માહિતી મુજબ વીડી-દેવળિયા રોડ પર દેવળિયા ગામની સીમમાં આવેલ ખોડલ ઇન્ફ્રા કન્સ્ટ્રકશન સર્વે નંબર-25માં કન્ઝયુમર પંપ (ડીઝલ પંપ)માં વાહનોમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ભરી આપવામાં આવતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં કાર્યવાહી કરી હતી. . આ કન્ઝયુમર પંપમાં રિલાયન્સ તથા આઇ.ઓ. સી.એલ. કંપનીનું ડીઝલ આવતું હોવાનું આ શખ્સે પોલીસને જણાવ્યું હતું. હાલમાં એક ટેન્કર મારફતે દશ હજાર લિટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ આવ્યો હતો, જે પૈકી 2000 જેટલો ખોડલ ઇન્ફ્રાના વાહનોમાં ભરી આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું તેમજ આ કંપનીના શેઠ શિણાયના હોવાનું આ શખ્સે કહી પોતે છેલ્લાં પાંચ વર્ષથી અહીં નોકરી કરે છે તેમ જણાવ્યું હતું. 40 હજાર લિટરની ક્ષમતાવાળા ટાંકામા તપાસ કરાતાં તેમાંથી 8000 લિટર જેટલો શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ હાજર હોવાનું સામે આવ્યું હતું.. ભારત સરકારના કે રાજ્ય સરકારના પ્રમાણપત્રો કે ના વાંધા પ્રમાણપત્ર મેળવ્યા વગર લોકોના જીવને નુકસાન થાય તેવી રીતે કન્ઝયુમર પંપ ચલાવનારા આ કર્મચારી તથા કંપનીના માલિક સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.