ડુંગરાની ગોદમાં વસેલા અજોરીયા વાંઢે બતાવી તાકાત – ગામ ભરખવા આવેલા યમદૂત મીઠા ભરેલા ટ્રેલરોને ગ્રામજનોએ હાંકી કાઢ્યા

નખત્રાણા તાલુકાના ડુંગરો વચ્ચે વસેલું નાનકડું ગામ અજોરીયા વાંઢ આજે આખા કચ્છ માટે મિસાલ બની ગયું. ગામની શાંતિ ભરખવા આવેલા મીઠા ભરેલા મહાકાય ટ્રેલરોને ગામલોકોએ એક થઈને પાછા કાઢી મૂક્યા.

આ ટ્રેલરો દિવસ-રાત દોડે છે. ધૂળની ડમરીઓથી આખું ગામ ઢંકાઈ જાય છે. નાના છોકરાના ફેફસાં બગડે છે. વૃદ્ધોને શ્વાસ લેવો ભારે પડે છે. રસ્તા તૂટી ગયા છે. અકસ્માતનો ડર માથે તોળાય છે. આ ટ્રેલરો ગામ માટે યમદૂત બની ગયા હતા.

આજે ગામના આગેવાનો, યુવાનો બધા એક થયા. હાથમાં કંઈ નહોતું, પણ હિંમત આસમાન જેવડી હતી. સૌએ રસ્તા પર ઉભા રહીને ટ્રેલરોને રોક્યા અને ચોખ્ખું સંભળાવી દીધું કે અમારા ગામની માટીમાંથી પસાર થવું હોય તો અમારી જિંદગીની કિંમત ચૂકવવી પડશે.

ગ્રામજનોની એકતાએ ટ્રેલરચાલકોને ઝૂકવું પડ્યું. બધા ટ્રેલર પાછા ફર્યા. ગામલોકોએ કહ્યું કે અમારા બાળકોના શ્વાસ અમે કોઈ કિંમતે વેચાવા નહીં દઈએ. વિકાસ જોઈએ પણ વિનાશની કિંમતે નહીં.

તંત્ર સુધી ચેતવણી પહોંચી ગઈ છે કે હવે જો કાયદેસર રસ્તો અને સુરક્ષા વગર આ યમદૂત ટ્રેલરો ગામમાં ઘૂસ્યા તો ગામ આખું રસ્તા પર ઉતરી જશે