કોઇ પણ તાકાત ભારતને ઝુકાવી શકશે નહીં :મોદી

 ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સોમનાથ મહાદેવની પુણ્ય ભૂમિ પરથી દુનિયાને સંદેશ આપતાં જણાવ્યું હતું કે, કોઇ પણ તાકાત ભારતને ઝુકાવી શકશે નહીં, ઇતિહાસ જોઇ જાવ… અનેકવાર `આક્રમણખોરો’એ સોમનાથ મંદિર પર હુમલા કરીને તેના વૈભવને નષ્ટ કરવાની કોશિશ કરી, પરંતુ કદી સફળ થયા નથી. સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં સવારે સૌપ્રથમ યોજાયેલા રોડ-શોમાં વડાપ્રધાને ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલી પ્રજાના અપાર સ્નેહને હર્ષભેર વધાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત, બંગાળ રાજ્ય સહિત ઉત્તર અને દક્ષિણ ભારત અને પૂર્વત્તરના રાજ્યોના લોકનૃત્યોની પ્રસ્તુતિથી સમગ્ર વાતાવરણ આનંદ-ઉત્સાહથી થયું હતું. બાદમાં વડાપ્રધાન મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પૂજા-અર્ચના કરી હતી. આ વેળાએ શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે વડાપ્રધાન મોદીનું સોમનાથ મંદિરમાં ભવ્ય સ્વાગત અને અભિવાદન કરાયું હતું.  ભારતવર્ષના આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સભા સંબોધતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, `સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા એક હજાર વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે. સૃષ્ટિનું જેનાથી સર્જન થાય છે અને જેનામાં લય થાય છે, આજે આપણે તેના ધામના પુન:નિર્માણનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. 75 વર્ષ પહેલાં આજના દિવસે થયેલી સોમનાથ મંદિરની પુન: સ્થાપના એ સાધારણ અવસર ન હતો. 1947માં દેશ આઝાદ થયો પણ 1951માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ હતો. આજે 75 વર્ષની ઉજવણીના આ અવસરે જોવા મળે છે કે, વિનાશમાં સર્જનનો સંકલ્પ સોમનાથ મંદિરે ચરિતાર્થ કર્યો છે. અસત પર સતનો વિજય પ્રભાસ ક્ષેત્રે વારંવાર કર્યો છે.  મંદિર પુન: નિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રના કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે.વધુમાં વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરને ભારતની અખંડ આસ્થા, સાંસ્કૃતિક ગૌરવ અને સ્વાભિમાનનું પ્રતીક ગણાવતાં જણાવ્યું કે, `સોમ’ એટલે અમૃત અને જેના નામમાં જ અમૃત છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. સોમનાથ માત્ર મંદિર નથી, પરંતુ ભારતની અવિનાશી ચેતના અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે.