કચ્છ જિલ્લા તિજોરી કચેરી મારફતે બેંક દ્વારા પેન્શન મેળવતા તમામ પેન્શનરોએ નિયમ મુજબ દર વર્ષે મે, જૂન અને જુલાઈ મહિનામાં પોતાની હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે.

રાજ્ય સરકાર દ્વારા “ઘર આંગણે હયાતી” યોજના અમલમાં મુકવામાં આવી છે, જેના હેઠળ પેન્શનરો ટપાલી અથવા ગ્રામિણ
ડાક સેવક મારફતે ઘરે બેઠા જીવન પ્રમાણ પોર્ટલ પર હયાતીની ખાતરી સરળતાથી કરાવી શકે છે. આ સુવિધા ટપાલ વિભાગ દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ માટે પેન્શનરો નજીકની પોસ્ટ ઓફિસ અથવા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો સંપર્ક કરી શકે છે અથવા “Post Info” મોબાઈલ એપ્લિકેશનમાં નોંધણી કરાવી શકે છે. આ ઉપરાંત, પેન્શનરોએ જે બેંક શાખામાંથી પેન્શન મેળવે છે, ત્યાં હાજર રહી નિયત ફોર્મમાં બેંક અધિકારી સમક્ષ સહી કરીને હયાતીની ખાતરી કરાવી શકે છે કુટુંબ પેન્શનરોએ નિયત નમૂનામાં પ્રતિષ્ઠિત વ્યક્તિ પાસેથી “પુનઃલગ્ન કર્યા નથી” તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તા. 31/07/2026 સુધીમાં જે પેન્શનરોની હયાતી ફોર્મ કચેરીમાં પ્રાપ્ત નહીં થાય, તેઓનું ઓગસ્ટ-2026 (પેઇડ ઇન સપ્ટેમ્બર-2026) થી પેન્શન બંધ કરવામાં આવશે, જેની તમામ પેન્શનરોએ નોંધ લેવી.પેન્શનરો  www.jeevanpramaan.gov.in  વેબસાઈટ અથવા તેની મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન પણ
હયાતીની ખરાઈ કરાવી શકે છે. જો કોઈ પેન્શનરે પોસ્ટ મારફતે હયાતીની ખરાઈ કરાવી હોય, તો તેમને બેંક અથવા અન્ય રીતે ફરીથી હયાતી કરાવવાની જરૂર રહેશે નહીં. વિદેશમાં વસતા પેન્શનરોએ નોટરી પાસેથી ફોટા સાથે હયાતી પ્રમાણિત કરાવવી રહેશે, જેમાં બેંક/શાખાનું નામ, PPO નંબર અને ખાતા નંબર દર્શાવેલ હોવા જોઈએ. સાથે પાસપોર્ટની નકલ તથા વિદેશી નાગરિકતા ધરાવતા પેન્શનરોએ NRO એકાઉન્ટની પાસબુકની નકલ ફરજિયાત જોડવાની રહેશે. અન્યથા હયાતી માન્ય ગણાશે નહીં. જિલ્લા તિજોરી કચેરીને જાણ કર્યા વિના બેંક અથવા શાખા બદલનાર પેન્શનરોની હયાતીની ખરાઈ માન્ય ગણાશે નહીં, જેની તમામ પેન્શનરોએ નોંધ લેવી.