ઉર્જા ક્ષેત્રે ભારતની મોટી છલાંગ : હોર્મુઝ સંકટ વચ્ચે ઓમાનથી ગુજરાત સુધી બિછાવાશે પાઈપલાઈન

copy image

copy image

ભારત સરકાર ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા અને ખાસ કરીને મધ્ય પૂર્વમાં ચાલતી યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વચ્ચે ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે બે મોટા પ્રોજેક્ટ પર આક્રમક રીતે કામ કરી રહી છે. આ વ્યૂહાત્મક હિલચાલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા સંવેદનશીલ દરિયાઈ માર્ગો પરની નિર્ભરતા ઘટાડવાનો છે.સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર ભારત હવે ઓમાનથી સીધી દરિયાઈ પાઈપલાઈન બિછાવવાની તૈયારી કરી રહ્યું છે, જેને “મિડલ ઈસ્ટ-ઈન્ડિયા ડીપ-વોટર પાઈપલાઈન(MEIDP)” નામ આપવામાં આવ્યું છે. અંદાજે 40,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ અરબ સાગરના તળિયે 2,000 કિલોમીટર લાંબો હશે અને ઓમાનને સીધું ગુજરાતના દરિયાકાંઠા સાથે જોડશે. આ પાઈપલાઈન સમુદ્રમાં 3450 મીટરની ઊંડાઈએ સ્થાપિત કરવામાં આવશે. આ વિશ્વની સૌથી ઊંડી દરિયાઈ પાઈપલાઈન પૈકીની એક હશે. આ માધ્યમથી દરરોજ 31 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસની સપ્લાય થઈ શકશે. તેમજ ભારતમાં ગેસની માંગ સતત વધી રહી છે.  2030 સુધીમાં વપરાશ 290-300 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર સુધી પહોંચવાનો અંદાજ છે. તેવામાં ભારતની કુલ જરૂરિયાતનો મોટો હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા આયાત કરવામાં આવે છે. ફેબ્રુઆરી 2026માં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે જ્યારે આ માર્ગ પ્રભાવિત થયો, ત્યારે ગેસની વૈશ્વિક સપ્લાયમાં 20%નો ઘટાડો થયો હતો અને કિંમતો 12 ડોલરથી વધીને 25 ડોલર પ્રતિ MMBtu સુધી પહોંચી ગઈ હતી. આ પાઈપલાઈન દ્વારા ભારત કોઈપણ મધ્યસ્થ દેશ કે ચોક પોઈન્ટ પર નિર્ભર રહ્યા વગર સસ્તો અને સ્થિર ગેસ મેળવી શકશે.