ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં કચ્છની ચાર દીકરીઓ રાષ્ટ્રીય સ્તરે સન્માનિત

દેવભૂમિ હરિદ્વાર સ્થિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સંચાલિત ગાયત્રી તીર્થ – શાંતિકુંજ ખાતે તા. 12 થી 14 મે, 2026 દરમિયાન “ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા” અંતર્ગત રાજ્ય સ્તરીય પ્રાવીણ્ય છાત્ર પ્રતિભા પરિષ્કાર શિબિર તથા પુરસ્કાર વિતરણ સમારોહનું ભવ્ય રાષ્ટ્રીય આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ સંસ્કારમય, પ્રેરણાદાયી અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં યોજાયો હતો.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી અંદાજે 35 લાખ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યમાંથી આશરે સવા 6 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા હતા. રાજ્યસ્તરે જાહેર થયેલી મેરિટ યાદીમાં કુલ 30 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું હતું, જેમાંથી કચ્છ જિલ્લાની 3 વિદ્યાર્થીનીઓએ પ્રથમ અને 1 વિદ્યાર્થીનીએ તૃતીય સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
કચ્છમાંથી રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે પ્રતિભાસિત થયેલી વિદ્યાર્થીનીઓમાં ધોરણ-૮ માં ધ્યાની અલ્પેશભાઈ જાની, ધોરણ-૧૧ માં વંશી નીતિનભાઈ ભાનુશાલી તેમજ કોલેજ કક્ષાએ તર્જની વ્યાસે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે ધો.12 ની ગાયત્રી પ્રજાપતિએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી કચ્છનું નામ રોશન કર્યું હતું. નીરોણા હાઈસ્કૂલની વિધાર્થીની વંશી ભાનુશાલી વતી તેમના શિક્ષક તેમજ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, નખત્રાણા તાલુકા સંયોજક અલ્પેશભાઈ જાનીએ મોમેન્ટો અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરેલ હતા.
કાર્યક્રમ દરમિયાન “અધ્યાપક હૈ યુગ નિર્માતા, છાત્ર રાષ્ટ્ર કે ભાગ્ય વિધાતા” જેવા પ્રેરણાદાયી સંદેશ સાથે દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના વાઈસ ચાન્સેલર ડૉ. ચિન્મય પંડ્યાજીએ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય ચેતનાથી જોડાવા પ્રેરિત કર્યા હતા. તેમણે ભારતીય સંસ્કૃતિ અને માનવીય મૂલ્યોના વૈશ્વિક પ્રચાર-પ્રસાર માટે યુવાનોને સકારાત્મક દિશામાં આગળ વધવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્ય સ્તરે પ્રાવીણ્ય પ્રાપ્ત વિદ્યાર્થીઓને યોગેન્દ્ર ગીરી – શાંતીકુંજ વ્યવસ્થાપકના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને કચ્છની ધ્યાની અલ્પેશ જાનીએ દેવભૂમિ હરિદ્વારમાં યોજાયેલી ત્રિ-દિવસીય પ્રતિભા પરિષ્કાર શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ કચ્છ તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. તેમની સાથે વ્યવસાયે શિક્ષક એવા તેમના માતા-પિતા અલ્પેશભાઈ અને નૂતનબેન જાની પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષ નોંધનીય બાબત એ રહી કે શાંતિકુંજ હરિદ્વારમાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ભારતીય સંસ્કૃતિ વિષયક ભાષણ સ્પર્ધામાં ધ્યાની જાનીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિના ભાગરૂપે તેણીને દેશભરના પ્રાવીણ્ય પ્રાપ્ત વિદ્યાર્થીઓ તથા શાંતિકુંજના પ્રતિનિધિઓ સમક્ષ સંબોધન કરવાનો ગૌરવપૂર્ણ અવસર પ્રાપ્ત થયો હતો.
શિબિર દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ, આધ્યાત્મિક ચેતના, નૈતિક મૂલ્યો, સદભાવ અને રાષ્ટ્રપ્રેમ વિકસે તે માટે વિવિધ માર્ગદર્શન સત્રો, પ્રેરણાત્મક પ્રવચનો તેમજ સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત વિદ્યાર્થીઓએ પોતાના અભિપ્રાયોમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના હકારાત્મક પરિણામો અને જીવનમૂલ્યો વિષે પ્રકાશ પાડ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભાવપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
આ ત્રિ-દિવસીય શિબિર અને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓની વધતી ભાગીદારી અને સફળતા પાછળ જિલ્લા સંયોજક શ્રી વિષ્ણુભાઈ જોષીનું માર્ગદર્શન અને પ્રેરણાદાયી યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.