ભારતની ભૂમિ પરથી ઇરાનનો ટ્રમ્પને સંદેશ; નમીશુ નહીં

copy image

copy image

 ભારતમાં બે દિવસની બ્રિક્સ વિદેશી મંત્રીઓની બેઠકના આરંભિક દિવસે યજમાન દેશે પશ્ચિમ એશિયાના સંકટ અને હોર્મુઝ ખાડીમાં ખોરવાયેલા ઊર્જા પુરવઠાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી અને તેના વ્યવહારુ ઉકેલની હાકલ કરી હતી. વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, ભારત તણાવ ઘટાડવામાં રચનાત્મક યોગદાન આપવા અને સ્થિરતા પુન: સ્થાપિત કરવા માટે સમર્થન આપવા તૈયાર છે. શાંતિ કાયમી હોવી જોઇએ. આંતરરાષ્ટ્રીય સબંધોમાં અખંડિતતાનું સન્માન જળવાવું જોઇએ. મળતી માહિતી અનુસાર અગાઉ બ્રિક્સના વિદેશમંત્રીઓના સંમેલનમાં ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ખૂબ જ ભાવુક અને આક્રમક ભાષણ આપ્યું હતું. તેમણે અમેરિકા અને ઈઝરાયલ ઉપર ઈરાન સામે ક્રૂર અને ગેરકાનૂની હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો અને સાફ જણાવ્યું હતું કે, ઈરાન કોઈપણ દબાણ સામે નમશે નહીં.  અરાઘચીએ દાવો કરતાં જણાવ્યું હતું કે, ઈરાન માત્ર પોતાના માટે નહીં પણ પૂરા ગ્લોબલ સાઉથ માટે લડી રહ્યું છે. તેમણે બ્રિક્સ દેશો સમક્ષ અપીલ કરી હતી કે, પશ્ચિમ દેશોની મનમાની સામે નક્કર પગલાં ભરવામાં આવે. બીજી તરફ વિદેશમંત્રી એસ. જયશંકરે વૈશ્વિક હાલાત, આર્થિક પડકારો અને બદલાતી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા વચ્ચે બ્રિક્સની વધતી ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો. જયશંકરે કહ્યું હતું કે, બદલતી વૈશ્વિક વ્યવસ્થા વચ્ચે દુનિયાની નજર બ્રિક્સ ઉપર છે.