હોર્મુઝ જળમાર્ગ ખોલવા અમેરિકા-ચીન સહમત
copy image

ચીનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે લાલજાજમ પાથરીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને દુનિયાની બે મહાશક્તિ વચ્ચે થયેલી વાટાઘાટમાં ઈરાનને જેની આશંકા હતી એવો મોટો ઝટકો લાગ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે થયેલી ઐતિહાસિક મંત્રણામાં બન્ને નેતાઓ વચ્ચે એ બાબતે સહમતી બની હતી કે ઈરાન પાસે પરમાણુ શત્રો ન હોવા જોઈએ . આ ઉપરાંત હોર્મુઝ જળમાર્ગનું સશત્રીકરણ ન થવું જોઈએ અને આ માર્ગ ખૂલવો જોઈએ તેવી પણ સહમતી બન્ને પક્ષે બની હોવાનું કહેવામાં આવે છે. જો કે હજી સુધી અમેરિકા કે ચીન તરફથી આ અંગે કોઈ અધિકૃત પ્રતિક્રિયા આપવામાં આવી નથી પણ ચીન અને અમેરિકા વચ્ચે આવી કોઈ સહમતી થઈ હોય તો ઈરાન તેને કબૂલ રાખશે કે નહીં તે પણ મોટો સવાલ ઉભો થઈ ગયો છે. વ્હાઇટ હાઉસે નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ઊર્જાનો નિર્બાધ પુરવઠો જાળવી રાખવા માટે આ સમુદ્રી માર્ગ ખુલ્લો રહેવો અનિવાર્ય છે. જિનપિંગે પણ સ્પષ્ટ કર્યું હતું કે, ચીન આ માર્ગનાં સૈન્યીકરણની વિરુદ્ધ છે. ચીન આ માર્ગથી પસાર થતાં જહાજો ઉપર કોઈપણ પ્રકારનાં ટોલ વસૂલવાનાં પ્રયાસોની પણ ખિલાફ છે. જિનપિંગે ટ્રમ્પને કહ્યું હતું કે, તાઈવાનનો મુદ્દો ચીન અને અમેરિકાના સંબંધોમાં સૌથી સંવેદનશીલ મુદ્દો છે. જો આ મુદ્દો યોગ્ય રીતે સંભાળવામાં આવે તો બન્ને દેશના સંબંધ સ્થિર રહેશે પણ જો આમાં કોઈ ખોટી રીતે દખલ થશે તો બન્ને દેશ વચ્ચે ટકરાવ કે ઘર્ષણ પણ થઈ શકે છે. જિનપિંગે કહ્યું હતું કે, તાઈવાનની આઝાદી અને તાઈવાન સ્ટ્રેટમાં શાંતિ બન્ને એક સાથે ચાલી શકશે નહીં.