કે.સી.આર.સી. સંસ્થાને મોતિયો મુક્ત અભિયાન માટે ગાડી અર્પણ

અંધજન મંડળ કે.સી.આર.સી. ને ડી.પી. વર્લ્ડ મુન્દ્રા દ્વારા મોતિયો મુક્ત અભિયાન- કચ્છ માટે બોલેરો ગાડી આપવામાં આવી છે. અંધજન મંડળ આંખની હોસ્પિટલ દ્વારા સમગ્ર કચ્છમાં મોતીઓ મુક્ત અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત છેવાડાના ગામો સુધી આંખના તમામ રોગ નિવારણ માટે કેમ્પો યોજાય છે. માંગો ત્યાં કેમ્પ અને નલિયા, નખત્રાણા અને મુન્દ્રામાં કાયમી ચક્ષુ સારવાર કેન્દ્ર કાર્યરત છે. મોતિયો મુક્ત અભિયાનને વધુ વેગમાન બનાવવા માટે અને વધુને વધુ આંખના કેમ્પો યોજાય તે માટે સી.એસ.આર અંતર્ગત એમ.આઈ.સી.ટી. ડી.પી વર્લ્ડ મુન્દ્રા ના આર્થિક સહયોગથી આ મેડિકલ વાહન અંધજન મંડળ કે.સી. આર.સી.ને અર્પણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે ડીપી વર્લ્ડ ના સી.ઈ.ઓ. આલોક મિશ્રાજી, એચ આર. ડાયરેક્ટર અશિતા જૈન, તથા બધા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓ જેમાં દિનેશ વાસાણી, પ્રશાંત મહંત્રે, પરાગ કોચર, કોમલ વાઘેર તથા શિવભદ્રસિંહ જાડેજા અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. અંધજન મંડળના મેનેજર અરવિંદસિંહ ગોહિલ ને ગાડીની ચાવી અર્પણ કરાઈ હતી અને રીબીન કાપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં શિવભદ્રસિંહ જાડેજાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. એચ.આર.ડાયરેક્ટર શ્રી આશિતા જૈન દ્વારા ડી.પી.વર્લ્ડ ની સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી અંધજન મંડળની કામગીરી ની પ્રશંસા કરી હતી. અંધજન મંડળના મેનેજર અરવિંદસિંહે ડી.પી. વૉલ્ડ દ્વારા સંસ્થાને મળેલ અનુદાન દ્વારા હજારો લોકોની આંખોની આધુનિક પધ્ધતિથી જે સારવાર મળી રહી છે તેની રૂપરેખા આપી હતી. ત્યારબાદ સી.ઈ.ઓ. શ્રી આલોક મિશ્રાજી દ્વારા આવી સેવાકીય પ્રવૃતિઓમાં સહભાગી થવાનો શ્રેય તેમની સાથેના દરેક સ્ટાફ મિત્રોને આપ્યો હતો તેની મહેનતથી કંપની સી.એસ.આર. હેઠળ સામાજિક કાર્યો કરે છે. તેમણે આવા સમાજ સેવાના કાર્યોમાં હર હંમેશ મદદગાર બનવાનો કોલ આપ્યો હતો. આ સાથે બધા કર્મચારીઓની આંખની તપાસ માટે કેમ્પ પણ યોજાયો હતો. જેમાં 110 થી વધુ લોકોની આંખની તપાસ કરવામાં આવી હતી. આજે ડી.પી.વોલ્ડે દ્વારા અંધજન મંડળ કે.સી.આર.સી. ને આપવામાં આવેલ આ મેડિકલ વાન દ્વારા કચ્છના અંતરિયાળ ગામડાઓમાં જઈને આંખોના કેમ્પ યોજશે અને મોતીઓ મુક્ત અભિયાન ને વેગવાન બનાવવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. આ સાથે સંસ્થાના મેનેજરે કંપની નો આભાર માન્યો હતો અને ડી.પી. વર્લ્ડના સી.એસ.આર હેડ શ્રી બોસ્કો સાહેબ પ્રત્યે પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.