યુએઁઈ હળવું કરશે ભારતનું ઈંધણ સંકટ

મધ્ય-પૂર્વનાં યુદ્ધના લીધે સર્જાયેલાં ઇંધણ સંકટ વચ્ચે ભારત અને યુએઈએ શુક્રવારે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર, લાંબાગાળાના એલપીજી પુરવઠા, સંરક્ષણ અને શાપિંગને લગતા સીમાચિહ્નરૂપ કરારોની શ્રેણી પર હસ્તાક્ષર કર્યા હતા, તો અબુધાબીએ ભારતમાં કુલ પાંચ અબજ ડોલરનાં રોકાણનું વચન આપ્યું હતું.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાના વધતા જતા સંઘર્ષ વચ્ચે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ઉચ્ચસ્તરીય વાટાઘાટોમાં શાંતિ માટે ભારતનાં સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને દેશ વચ્ચે થયેલા છ કરારમાંથી એક ઇન્ડિયન સ્ટ્રેટેજિકપેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ અને અબુધાબી નેશનલ ઓઇલ કંપની વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે હસ્તાક્ષર કરાયેલો વ્યૂહાત્મક સહયોગ કરાર મહત્ત્વનો હતો, જેમાં પેટ્રોલિયમ ભંડારમાં સહયોગ અને પ્રવાહી કુદરતી ગેસ અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સંગ્રહ સુવિધાઓ પર શક્ય સહયોગનો સમાવેશ થાય છે. એક સત્તાવાર નિવેદનમાં બતાવાયું છે કે, તે ભારતના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારમાં યુએઇની ભાગીદારી વધારીને 30 મિલિયન બેરલ કરશે અને ભારતમાં વ્યૂહાત્મક ગેસ ભંડાર સ્થાપિત કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારત અને યુએઇએ વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માટે એક માળખાં પર પણ હસ્તાક્ષર કર્યા છે, જે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ, ટેક્નોલોજી શારિંગ, નવીનતા અને પ્રાદેશિક સુરક્ષા સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતાની વહેલી તકે પુન:સ્થાપના માટે ભારત તમામ શક્ય સમર્થન આપવા તૈયાર છે. તેમણે યુએઈ પરના હુમલાઓની નિંદા કરી હતી અને પરિસ્થિતિને સંયમથી સંભાળવા બદલ ખાડી દેશના નેતૃત્વની પ્રશંસા કરી હતી.