સીમાએ ફેન્સિંગ સામે બાંગલાદેશનો વિરોધ નામંજૂર

copy image

પશ્ચિમ બંગાળમાં સરકાર બદલ્યા  બાદ હવે ભારત-બાંગલાદેશ સરહદે વાડ લગાડવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન બંગાળના કૂચબિહારના મેખલીગંજ સરહદ પાસે તણાવ વધી ગયો હતો. મળતી માહિતી મુજબ વિસ્તારમાં ત્રણ વીઘા કોરિડોર નજીક આંતરરાષ્ટ્રીય સરહદના હિસ્સામાં વાડ લગાડવાનાં કામ દરમિયાન બીએસએફ અને બાંગલાદેશી બોર્ડર ગાર્ડસ આમનેસામને આવી ગયા હતા. બાંગલાદેશ બોર્ડર ગાર્ડસ તરફથી વાડનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, બીએસએફે સંયમ બતાવીને મોટું ઘર્ષણ થવાથી ટાળ્યું હતું. બાદમાં બન્ને પક્ષ તરફથી ફ્લેગ મિટિંગ યોજીને શાંતિ બહાલ કરવાની કોશિશ કરવામાં આવી હતી. જો કે, બાંગલાદેશ સાથે સંબંધો પહેલાંથી જ સંવેદનશીલ બનેલા છે, તેવામાં સરહદે ઊભી થયેલી સ્થિતિ ચિંતા પેદા કરી રહી છે.  રિપોર્ટ અનુસાર બાંગલાદેશ બોર્ડર ગાર્ડના વાંધા અને સ્થાનિક લોકોના એક વર્ગ તરફથી બાંગલાદેશી પક્ષના વિરોધનાં કારણે બીએસએફના જમીન માપવાનાં કામમાં ખલેલ પહોંચી હતી.  આ બનાવ પિલર નંબર 806-એ નજીક બન્યો હતો. આ ટકરાવની જાણકારી બીએસએફના વરિષ્ઠ અધિકારીઓને પણ પહોંચાડવામાં આવી હતી. બીએસએફ અને બીજીબી વચ્ચે સ્થિતિ તણાવપૂર્ણ બની હોવા અંગે ઉચ્ચ અધિકારીઓની સાથે ભાજપ વિધાયકો અને સાંસદો સહિત રાજનીતિક પ્રતિનિધિઓને સૂચિત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ શનિવારે બીએસએફના અધિકારીઓની હાજરીમાં બે અલગ-અલગ ફ્લેગ મિટિંગ આયોજિત કરવામાં આવી હતી. બન્ને તરફથી થયેલી ફ્લેગ મિટિંગ્સમાં એકમાં બીજીબી અને બીજીમાં સ્થાનિક ગ્રામીણ અને ભાજપ પ્રતિનિધિઓ સામેલ થયા હતા, જેના મારફતે મામલાને થાળે પાડવાની કોશિશ થઈ હતી. ફ્લેગ મિટિંગમાં ભારતીય નિવાસીઓના  એક વર્ગે સ્પષ્ટ કરી દીધું હતું કે, વાડ લગાડવાનાં કામમાં કોઈ પણ પ્રકારની ખલેલ સહન કરવામાં આવશે નહીં.વર્તમાન સમયે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાઇ રહ્યું છે.