ભચાઉ હિંમતપુરામાંથી ગાંજા સાથે એક શખ્સની અટકાયત
copy image

ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં એક રહેણાક મકાનમાં પોલીસે છાપો મારી અહીંથી રૂા. 12,750ના ગાંજા સાથે એકને ઝડપ્યો હતો. મળતી માહિતી મુજબ ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેનાર શખ્સ પોતાના મકાનમાં માદક પદાર્થ રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ શખ્સના ઘરે પહોંચી તેને સાથે રાખી પોલીસે મકાનની તપાસ દરમ્યાન મકાનમાં પલંગ નીચે રાખેલી થેલીમાંથી નાની-નાની થેલીઓ મળી આવી હતી. આ થેલીઓમાં રહેલ સૂકો પદાર્થ ગાંજો હોવાનું આ શખ્સે બતાવ્યું હતું. પોલીસે એફ.એસ.એલ. અધિકારીને ખરાઈ માટે બોલાવી મકાનની વધુ તપાસ કરાતાં દીવાલમાં લાગેલ કુદરતી દૃશ્યનું ચિત્ર શંકાસ્પદ જણાતાં તેને ખોલાવાયું હતું. આ ચિત્ર હટાવતા અંદરથી ચલણી નોટો નીકળી પડી હતી. પોલીસે અહીંથી રોકડ રૂા. 4,67,500 પણ કબજે કર્યા હતા. નાની-મોટી થેલીઓમાં રૂા. 12,750નો 255 ગ્રામ ગાંજો જપ્ત કરાયો હતો. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.