આગામી 30 દિવસમાં ખુલી જશે હોર્મુઝની ખાડી, ઈરાનના નિર્ણયથી દુનિયાભરના દેશોએ લીધો રાહતનો શ્વાસ
copy image

વૈશ્વિક તેલ સપ્લાયની લાઈફલાઈન ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ઈરાન તરફથી એક ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. ઈરાન સરકારના સત્તાવાર નિવેદન અનુસાર, આગામી 30 દિવસમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પહેલાંની જેમ જ સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે. આ દરિયાઈ માર્ગેથી હવે કોઈ પણ પ્રકારના અવરોધ વિના તમામ દેશોના જહાજો સરળતાથી અવરજવર કરી શકશે. યુદ્ધના કારણે દુનિયાભરમાં સર્જાયેલા તેલના સંકટ વચ્ચે આ સમાચારને વૈશ્વિક બજાર માટે એક સંજીવની સમાન માનવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે લખ્યું છે કે, અમેરિકા, ઈરાન અને આ ક્ષેત્રના અન્ય દેશો વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી લગભગ નક્કી થઈ ચૂકી છે. આ ડીલ હેઠળ હોર્મુઝના દરિયાઈ માર્ગને ફરીથી સંપૂર્ણપણે ખોલવામાં આવશે અને ટૂંક સમયમાં જ આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પહેલાંની જેમ શરૂ થવાથી સૌથી વધુ રાહત ભારતને મળશે. ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકાથી વધુ ક્રૂડ ઓઈલ વિદેશથી આયાત કરે છે, જેનો એક બહુ મોટો હિસ્સો આ હોર્મુઝના દરિયાઈ માર્ગેથી જ ભારત આવે છે. યુદ્ધના ડરને કારણે અત્યાર સુધી જહાજો આ ટૂંકો માર્ગ ટાળીને લાંબા રૂટ પરથી ફરીને આવતા હતા. જેના કારણે દરિયાઈ વીમો અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ ખૂબ વધી ગયો હતો. હવે આ રસ્તો સુરક્ષિત થતાં જ માલસામાનની હેરફેરનો ખર્ચ ઘટશે, જે સીધો જ ભારતના આયાત-નિકાસ વેપારને બૂસ્ટ આપશે અને દેશમાં તેલના ભાવ સ્થિર રાખવામાં મદદ કરશે.