ઐતિહાસિક લખપત ગામે કચ્છના નવનિયુક્ત કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાની મુલાકાત

લખપત : કચ્છ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસીયાએ આજે ઐતિહાસિક મહત્વ ધરાવતા લખપત ગામની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન ગામના સરપંચ સાલેમામદ ખલીફા તેમજ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના એવોર્ડ વિજેતા ગાઈડ અને પીઢ લેખક ઓસમાણ નોતિયાર દ્વારા શાલ ઓઢાડી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ લખપતના ઐતિહાસિક વારસા, પર્યટન ક્ષેત્રની સંભાવનાઓ તથા સ્થાનિક વિકાસકાર્યો અંગે માહિતી મેળવી હતી. સ્થાનિક આગેવાનો સાથે ગામના વિકાસ, પર્યટન સુવિધાઓ અને ઐતિહાસિક સ્થળોના સંવર્ધન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઓસમાણ નોતિયારે જણાવેલ કે, લખપત માત્ર કચ્છનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ઐતિહાસિક ગૌરવ છે. અહીં આવેલ કિલ્લો, પ્રાચીન સ્થાપત્યો અને સાંસ્કૃતિક વારસો દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. તેમણે લખપતના ઐતિહાસિક વારસાના સંવર્ધન અને પર્યટન વિકાસ માટે વધુ સુવિધાઓ ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કલેક્ટરશ્રીએ લખપતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વને બિરદાવતાં વિકાસલક્ષી પ્રયાસોમાં તંત્ર તરફથી સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી હતી. તેમની મુલાકાતથી સ્થાનિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.