મમતાના ભત્રીજા પર ટોળાંનો હુમલો
copy image

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસામાં ઘવાયેલા પક્ષના કાર્યકરોને મળવા પહોંચેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનરજી પોતે હિંસાનો શિકાર બની ગયા હતા. મળતી માહિતી મુજબ સોનારપુરમાં તૃણમૂલના કાર્યકરોને મળવા પહોંચેલા મમતા બેનરજીના ભત્રીજા અભિષેક ઉપર ઈંડાં અને પથ્થરનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ઝપાઝપીમાં તેમનાં કપડાં પણ ફાડી નાખવામાં આવ્યાં હતાં. પ્રદર્શનકારીઓના આ હુમલામાં ફસાઈ ગયેલા અભિષેકને પોલીસે તરત ઘેરી લીધા હતા અને પછી તેમને હેલમેટ પહેરાવીને સુરક્ષા વચ્ચે ત્યાંથી બહાર લઈ જવાનો વખત આવ્યો હતો. બનાવ બાદ અભિષેક એપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતા, તેમને મળવા પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, શાસકો હત્યારા બની ગયા છે. મમતા બેનરજીના ભત્રીજા જેવી રાજનીતિની શક્તિશાળી વ્યક્તિ ઉપર હુમલાએ બંગાળમાં હાલત કેટલી સંવેદનશીલ બનેલી છે તેનો ચિતાર આપી દીધો છે. હુમલાની આ ઘટના પછી મીડિયા સાથે વાત કરતાં અભિષેકે આ હિંસાનો આરોપ બંગાળની નવી ભાજપ સરકાર ઉપર લગાવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસે જણાવ્યું હતું કે, અભિષેક જ્યારે તૃણમૂલના કાર્યકરોને મળી રહ્યા હતા, બરાબર ત્યારે જ ભાજપના કેટલાક લોકોએ ત્યાં ધસી આવીને ચોર-ચોર નારાબાજી શરૂ કરી દીધી હતી અને તૃણમૂલ નેતા ઉપર ઈંડાં-પથ્થર ફેંક્યા હતા. ત્યાર બાદ તેમની સાથે મારપીટની કોશિશ પણ કરવામાં આવી હતી. આ ઝપાઝપીમાં અભિષેકનું શર્ટ પણ ફાટી ગયું હતું. આ હિંસા દરમિયાન અભિષેકે મીડિયાને કહ્યું હતું કે, આ બધું ભાજપ સરકારનું કરાવેલું છે. આ લોકો મને મારવા માગે છે.