ભચાઉમાં અઢી કરોડનું મસમોટું મીઠા કૌભાંડ ઝડપાયું, 15 શખ્સો સામે ગુનો દાખલ

ભચાઉના ચોપડવા અને ચીરઇમાં મીઠું પકવતી તેમજ સપ્લાય કરતી જાણીતી કંપનીઓ સાથે કરોડો રૂપિયાની વિશ્વાસઘાતનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ભચાઉના વોંધમાં આવેલી અરિહંત સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ અને તેની અન્ય બે કંપની દુર્ગેશ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ, શ્રીરામ સોલ્ટ વર્કસ મીઠું પકવી વિદેશમાં નિકાસ કરી તેમજ દેશમાં સપ્લાય કરવાનું કામ કરે છે.આ ત્રણેય ફેક્ટરીના મેનેજર સ્ટોક તપાસ કરતાં ઓછું જણાતાં શંકા ગઇ હતી અને તેમણે ગુપ્ત વોચ ગોઠવી હતી જે થકી તેઓને જાણ થઈ હતી કે ચાલકો કંપનીમાંથી મીઠું તો ભરતા હતા પરંતુ તેના યાર્ડમાં ખાલી કરવાની જગ્યાએ અન્ય જગ્યાએ ખાલી કરી આવતા હોવાનું બહાર આવ્યું હતું. કંપનીના જ અમુક સંચાલકો, સુપરવાઇઝર, વજનકાંટાના ઓપરેટરોએ એકસંપ થઇ છેલ્લા છ મહિનાથી મીઠું સ્ટોક યાર્ડમાં ખાલી કરવાની જગ્યાએ ચોપડવા, નાની ચીરઇની સીમમાં ખાનગી ખેતરોમાં ખાલી કરતાં તેમજ બારોબાર વેચી મારતા હતા. મોંઘા પ્રકારનું મીઠું સસ્તામાં વેચી પોતાના આર્થિક ફાયદા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. રૂા. 2,50,00,000 મીઠાંની ચોરી કરી બારોબાર વેચી કંપની સાથે છેતરપિંડી કરી હતી. એમ 15 શખ્સ સામે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.