ભારત સરકારે દેશમાં રહેતા વિદેશી નાગરિકો માટે મહત્ત્વપૂર્ણ ફેરફાર સાથે નિયમો કડક
copy image

ભારત સરકારે દેશમાં રહેતા વિદેશી નાગરિકો માટે મહત્ત્વપૂર્ણ ફેરફાર સાથે નિયમો કડક બન્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફોરેનર્સ રૂલ્સ, 2025માં મહત્ત્વપૂર્ણ સુધારા કરીને ભારતમાં રોકાતા વિદેશી નાગરિકો માટે નોંધણીની સમયમર્યાદામાં ફેરફાર કર્યો છે અને નિયમોને વધુ કડક બનાવ્યા છે. મંત્રાલય દ્વારા જારી જાહેરનામા અનુસાર હવે જો કોઈ વિદેશી નાગરિક 180 દિવસ અથવા તેનાથી ઓછી મુદતના વિઝા પર ભારતમાં આવે અને કોઈ કારણસર તે નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય સુધી ભારતમાં રહેવા માગે તો તેને 180 દિવસની મુદત પૂર્ણ થાય તે પહેલાં જ કોઈપણ સંજોગોમાં પોતાની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ દરમિયાન ગૃહ મંત્રાલયે ભારતમાં જન્મેલા વિદેશી નાગરિકોનાં બાળકોને લગતા નિયમોમાં કેટલીક છૂટછાટ આપી છે. જૂના નિયમ અનુસાર જો ભારતમાં કોઈ વિદેશી દંપતી અથવા મિશ્ર દંપતીના ઘરે બાળકનો જન્મ થતો તો વિઝા સેવાઓ અથવા એક્ઝિટ પરમિશન માટે 30 દિવસની અંદર ઑનલાઇન પોર્ટલ અથવા મોબાઇલ એપ દ્વારા સંબંધિત અધિકારીઓને તેની જાણ કરવી ફરજિયાત હતી. હવે નવા નિયમ મુજબ જન્મેલાં બાળકનાં માતા-પિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોય અને તે બાળકની ભારતીય નાગરિકતા જાળવી રાખવા ઇચ્છતો હોય, તો તેના પર 30 દિવસની અંદર જાણ કરવાની આ ફરજિયાત જોગવાઈ લાગુ નહીં પડે.