ઘડાણીમાં સાપ પકડવા જતાં યુવાનને જ ડંસી જતાં મોત કાળ બન્યો

copy image

copy image

 નખત્રાણા તાલુકાના ઘડાણી ગામે ગત 2/6/26ના સાંજના અરસામાં અ.જા. વાસમાં સ્વર્ણ સોસાયટી વિસ્તારમાં કાળી નાગણ દેખાતા ફળિયામાં જ રહેતા સાપ રેસ્કયૂ (પકડવા)નું કામ કરતા યુવકને જાણ થતાં તેઓ તરત જ સાપ પકડવા ત્યાં પહોંચી જઇ સુરક્ષિત પ્લાસ્ટિકના ડબામાં મૂકતી વખતે કરડી લેતાં આ કાળોતરો તેના માટે કાળ સમાન બન્યો હતો અને ઝેરની અસરથી તેનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી. ઘડાણી ગામના જ નખત્રાણા હોમગાર્ડમાં ફરજ બજાવતા વી. કે. મહેશ્વરીના બતાવ્યા મુજબ મૃતક વાડીવિસ્તારમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અગાઉ અનેક સાપના સુરક્ષિત રેસ્ક્યૂ કરી વન-વગડામાં મૂકી માનવતાનું કામ કરતા હતા. ગત તા. 2/6ના સાંજે પોતાના જ ફળિયામાં કાળોતરો નીકળ્યાના સમાચાર મળતાં રેસ્કયૂ કરવા પહોંચી ગયા હતા. તેમને સુરક્ષિત પકડી ડબ્બામાં નાખતી વખતે આંગળીના ભાગે દેતાં તેમનો જીવનદીપ બુઝાઇ ગયો હતો. 108માં નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાતાં ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના પોલીસ ચોપડે નોંધાઇ નથી. પરિવારજનોએ થવાકાળ બનાવ બની જતાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ કે પોલીસ ઇન્કવાયરી ન કરવાનું કહેતાં દેહ પરિવારને સોંપી દેવાયો હતો.