મોંઘવારી રસ્તાથી રસોડાં સુધી; રાંધણગેસ 29 રૂા.
copy image

ઇંધણ ભાવના ભડકાની આગ રસ્તાઓથી રસોડાં સુધી પહોંચી ચૂકી છે. ઘરેલુ રાંધણગેસ સિલિન્ડર 29 રૂપિયા મોંઘું થઇ ગયું છે. આ વધેલા ભાવ રવિવારની રાતથી જ લાગુ થઇ જશે. ત્રણ મહિનામાં બીજીવાર એલપીજીની કિંમતમાં વધારો છે. અગાઉ સાતમી માર્ચનાં 60 રૂપિયાનો વધારો થતાં ત્રણ મહિનામાં ઘરેલુ રાંધણગેસ 90 રૂપિયા જેટલો મોંઘો થઇ ગયો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની અસર હેઠળ ઇંધણ સંકટ સર્જાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહેલા ખર્ચ અને ઘરઆંગણે વેચાણમાં તેલ કંપનીઓને થતાં નુકસાનનાં કારણે આ ભાવ વધારો કરવો પડયો છે, તેવું સરકારે કહ્યું હતું. સરકારે એવો દાવો પણ કર્યો હતો કે, ક્રૂડતેલની કિંમતોમાં ચડાવ-ઉતાર વચ્ચે ભારતીય પરિવારોને મળતો ઘરેલુ રાંધણગેસ દુનિયાભરમાં સૌથી સસ્તો છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવી વિકસિત અર્થવ્યવસ્થાઓમાં પણ રાંધણગેસના ભાવ ભારત કરતાં ઘણા વધુ છે, તેવું સરકારે કહ્યું હતું. ગેસ સિલિન્ડરનો ભાવ 913 રૂપિયાથી વધીને હવે 942 રૂપિયા થઈ ગયો છે, એટલે કે સીધો 29 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ અગાઉ 7 માર્ચના રોજ પણ પ્રતિ સિલિન્ડર 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા)માં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ખોરવાઈ ગયો હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ આકાશે આંબ્યા હતા. ઉદ્યોગ જગતના સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ કરાયેલા ભાવવધારાથી ઓઇલ કંપનીઓના નુકસાનની માત્ર આંશિક ભરપાઈ જ થઈ શકી હતી. આ તાજેતરના ફેરફાર પહેલાં સરકારી ઓઇલ માર્કાટિંગ કંપનીઓને વેચાતા દરેક LPG સિલિન્ડર પર અંદાજે 703 રૂપિયાનું મોટું નુકસાન થઈ રહ્યું હતું.