પાલતુ ઊંટના હુમલાથી ગંભીર ઇજાગ્રસ્ત થયેલા ખારોઇના દેવાભાઇ રબારીને કેશલેસ સારવાર માટે આયુષ્યમાન કાર્ડ વ્હારે આવ્યું

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ખારોઈ ગામના ૬૦ વર્ષીય દેવાભાઈ વેલાભાઈ રબારી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઊંટના ચરિયાણ અર્થે તેઓ મહારાષ્ટ્ર ગયા હતા. જ્યાં પાલતુ ઊંટ દ્વારા અચાનક હુમલો થતા તેમને આંખ તથા કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ પરિસ્થિતિમાં સારવાર કરવા તેમની પાસે આર્થિક સગવડ ન હોતા આયુષ્યમાન કાર્ડ તેમની વ્હારે આવ્યું હતું.

દેવાભાઇને ઊંટના હુમલાના કારણે આંખની દ્રષ્ટિ પર ગંભીર અસર થઈ હતી અને તાત્કાલિક વિશેષજ્ઞ સારવાર તથા આંખની સર્જરી જરૂરી બની હતી. પરંતુ નાણાકીય વ્યવસ્થા ન હોવાથી તેઓની ચિંતામાં મુકાયા હતા. આ સમયે તેમને જાગૃતો દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંગે જાણકારી આપવામાં આવી હતી. જેથી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખારોઈ ખાતે તેઓ પહોંચ્યા હતા જ્યાં તેમની પાત્રતા ચકાસી તાત્કાલિક આયુષ્માન ભારત – PMJAY કાર્ડ બનાવીને ડાઉનલોડ કરી આપવામાં આવ્યું, જેથી તેઓ યોજનાનો લાભ લઈ શકે. તેમજ તેઓને ભુજ ખાતે PMJAY યોજના અંતર્ગત સારવાર કરાવવાની સલાહ આપવામાં આવી હતી.

દેવાભાઇને PMJAY કાર્ડ પ્રાપ્ત થતાં ભુજ ખાતે આંખની વિશેષ સર્જરી માટે કેશલેસ સારવાર (Cashless Treatment) મેળવવા તથા જરૂરી રીફરલ અને સારવાર માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને તેઓ વિશેષજ્ઞ સારવાર હેઠળ છે.

PMJAY યોજના દ્વારા ગંભીર ઇજાગ્રસ્ત દર્દીઓને સમયસર અને નિઃશુલ્ક આરોગ્ય સેવા ઉપલબ્ધ થાય છે. આ ઘટનામાં તાત્કાલિક કાર્ડ નિર્માણ અને રીફરલ પ્રક્રિયા થવાથી લાભાર્થીને સમયસર સારવાર મળવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ યોજના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુરક્ષા માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે. દેવાભાઇના પરિવારજનોએ આરોગ્ય વિભાગ અને PMJAY યોજનાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.–