કચ્છ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ કાર્યક્રમ અંતર્ગત ગામડાઓમાં જળસ્ત્રોતોને સ્વચ્છ કરવા જનભાગીદારી સાથે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 

કચ્છ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ગામડાઓમાં તળાવ, નદી, નાળા તેમજ અન્ય જળસ્ત્રોતોને સ્વચ્છ કરવા જનભાગીદારી સાથે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 

સ્વચ્છતા એ માત્ર એક અભિયાન નથી, પરંતુ આપણા સૌની જવાબદારી અને સંસ્કાર છે. એ વિચારને સાર્થક કરવા મોટા આંસબીયા, બેરાજા, દુર્ગાપર, રોહા(સુમરી), પધ્ધર, ઘરાણા, દયાપર, તેરા, મથલ, સતાપર, કડોલ, સંઘડ તથા કાનપર સહિતના ગામોમાં સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત ગામ જળાશય, નાળા તેમજ નદી સહિતના અન્ય પાણીના વ્હેણોની સફાઇ કરાઇ હતી.

જળાશયો આપણા જીવનનો અમૂલ્ય આધાર છે. સ્વચ્છ અને સુરક્ષિત જળાશયો દ્વારા માત્ર પર્યાવરણનું જ નહીં પરંતુ માનવ જીવન અને આવનારી પેઢીઓનું પણ રક્ષણ થાય છે તેવી સમજ આગેવાનશ્રીઓ દ્વારા ગ્રામજનોને આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન તળાવ વિસ્તારની સફાઈ કરીને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીનો ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો. તમામ ઉપસ્થિતોએ તળાવની આસપાસ તથા અંદર રહેલા પ્લાસ્ટિક, કચરો અને અન્ય ગંદકી દૂર કરી જળાશયને સ્વચ્છ બનાવવાનો શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે ગામલોકોને જળસ્ત્રોતોમાં કચરો ન નાખવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તથા સ્વચ્છતા જાળવવા અંગે સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સૌએ ગામને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવા માટે સતત સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ અભિયાન દ્વારા ગામમાં સ્વચ્છતા અંગે સકારાત્મક સંદેશ ફેલાયો હતો અને ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સફાઇ અભિયાનમાં ગામના સરપંચશ્રી, પંચાયતના પદાધિકારીઓ, ગામના આગેવાનશ્રીઓ, સામાજિક સંસ્થાઓ,  તલાટીશ્રી, યુવાનો તેમજ ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

૦૦૦૦