રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ અંજાર ખાતે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈ શ્રમદાન કર્યું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ, ભવ્ય અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે આજરોજ અંજાર ખાતે જનભાગીદારી સાથે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંજાર શહેરના ગાંધીચોક, બસ સ્ટેશન સહિતના જાહેર વિસ્તારમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ ઉપસ્થિત રહી નગરજનો સાથે શ્રમદાન કર્યું હતું અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષથી દેશ વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે. ત્યારે સ્વચ્છતાને આપણા દૈનિક જીવનનો ભાગ બનાવીએ. જે રીતે આપણે ઘરને સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે શેરી, મહોલ્લા તથા જાહેર વિસ્તારોમાં સફાઇ પ્રત્યે કટિબદ્ધ બનીએ.
આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા મહાનુભાવો ગાંધીજી તથા શ્રી શ્યામાપ્રસાદ મુખરખજીની પ્રતિમાઓને જળાભિષેક કરીને સ્વચ્છ કરવામાં આવી હતી. આદરપૂર્વક ફૂલહાર ચડાવી ભાવભરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ સફાઈ અભિયાનમાં અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી ધર્મિષ્ઠાબેન ખાંડેક, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સંદીપ ચાવડા, અંજાર પાલિકા ઉપપ્રમુખશ્રી પરેશ માલસત્તર, અંજાર પાલિકા કારોબારી ચેરમેનશ્રી પ્રકાશ લોદરીયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી નરેશ ધારૂ, આશીષ ઉદવાણી, હિતેન વ્યાસ, વસંત કોડરાણી, ડેની શાહ સહિતના આગેવાનશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર જોડાઈને શહેરની સફાઇ કાર્યમાં ભાગ લીધો હતો.