અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ: FSLએ 172 મૃતકોની ઓળખ કરી સર્જ્યો ઇતિહાસ
copy image

અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ દુર્ઘટનામાં અનેક મુસાફરો અને ક્રૂ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. વિમાનમાં લાગેલી વિકરાળ આગને કારણે મોટાભાગના મૃતદેહો ગંભીર રીતે સળગી ગયા હતા, જેના કારણે તેમની ઓળખ સ્થાપિત કરવી તંત્ર માટે સૌથી મોટો પડકાર બની હતી. જોકે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની ટીમે અવિરત મહેનત કરીને તમામ 172 મૃતકોની સફળતાપૂર્વક ઓળખ કરી એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી.
FSLના ડાયરેક્ટર એચ.પી. સંઘવીએ જણાવ્યું હતું કે દુર્ઘટના સ્થળેથી 250થી વધુ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ સહિતના વિવિધ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સમાવેશ થતો હતો. FSLની સાયબર ટીમે આશરે 70 ટકા ડિવાઇસમાંથી મહત્વપૂર્ણ ડેટા રિકવર કરવામાં સફળતા મેળવી હતી. આ માહિતી મૃતકોની ઓળખ તેમજ તેમના પરિવારજનો સુધી જરૂરી વિગતો પહોંચાડવામાં અત્યંત ઉપયોગી સાબિત થઈ હતી.
DNA વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર મનીષા પટેલના જણાવ્યા મુજબ, લેબોરેટરીને 172 મૃતકોના અવશેષો સહિત કુલ 500થી વધુ નમૂનાઓ મળ્યા હતા. મોટાભાગના નમૂનાઓ અત્યંત સળગી ગયેલા અને ક્ષતિગ્રસ્ત હોવાથી તેમાંથી DNA મેળવવું એક મોટો વૈજ્ઞાનિક પડકાર હતો. તેમ છતાં નિષ્ણાતોએ વિશેષ પ્રી-ટ્રીટમેન્ટ અને અદ્યતન વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી સફળતાપૂર્વક DNA બહાર કાઢ્યો હતો.
FSL દ્વારા PCR, DNA સિક્વન્સિંગ સહિતની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગમાં લેવાતી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સળગી ગયેલા હાડકાં અને ટિશ્યૂમાંથી ગુણવત્તાસભર DNA મેળવવા માટે વિશેષ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. પાયલોટ અને ક્રૂ સભ્યોના વિસેરા પણ ગંભીર રીતે સળગેલી હાલતમાં મળ્યા હતા. જેટ ફ્યુઅલ અને અન્ય રસાયણોના પ્રભાવને કારણે DNA મેળવતા પહેલાં વિશેષ પ્રી-ટ્રીટમેન્ટ પ્રક્રિયા કરવી પડી હતી.
મનીષા પટેલે જણાવ્યું હતું કે લેબોરેટરીમાં આવેલા તમામ નમૂનાઓને શરૂઆતમાં “અજ્ઞાત મૃતદેહ” તરીકે નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ દરેક નમૂનાનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરીને પરિવારજનોના બ્લડ સેમ્પલ સાથે તેનું મેચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ મૃતકોની ઓળખ નિશ્ચિત કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી માટે ગાંધીનગર FSL ઉપરાંત રાજ્યની વિવિધ પ્રાદેશિક લેબોરેટરીઓના DNA નિષ્ણાતોને પણ જોડવામાં આવ્યા હતા. લગભગ 15 દિવસ સુધી 24 કલાક સતત કામગીરી ચલાવવામાં આવી હતી. FSLની ટીમે મોટાભાગના મૃતકોની ઓળખ માત્ર 72 કલાકમાં સ્થાપિત કરીને શોકગ્રસ્ત પરિવારોને તેમના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે સમયસર મૃતદેહો સોંપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
અમદાવાદ વિમાન દુર્ઘટનાની આ દુઃખદ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. જોકે FSLના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની અવિરત મહેનત, વૈજ્ઞાનિક કુશળતા અને માનવતાભર્યા અભિગમે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ આ કામગીરી ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે યાદ કરવામાં આવે છે.