કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

પવિત્ર ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થળોએ સાધુ-સંતોના દર્શન, પૂજન અને સન્માનના કાર્યક્રમો યોજી ભક્તિભાવપૂર્વક ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાની હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભાજપના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓએ પૂજ્ય સાધુ-સંતોને શાલ ઓઢાડી, પુષ્પહાર અર્પણ કરી તેમનું સન્માન કર્યું તેમજ તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
આ પ્રસંગે જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ, વિવિધ મંડલોના પ્રમુખો અને મહામંત્રીઓ સહિત કાર્યકર્તાઓએ પણ અલગ-અલગ ધાર્મિક સ્થળોએ વંદનીય ગુરુજનોનું પૂજન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ અવસરે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. ગુરુ જ્ઞાન, સંસ્કાર અને જીવન મૂલ્યોના સાચા માર્ગદર્શક છે. ગુરુપૂર્ણિમા માત્ર એક ધાર્મિક પર્વ નહીં પરંતુ ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલી આ ઉજવણી સંસ્કાર અને સેવા ભાવનાને વધુ મજબૂત બનાવવાનો એક સુંદર પ્રયાસ બની રહેશે.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દેશની આધ્યાત્મિક પરંપરા, સાંસ્કૃતિક વારસા અને ભારતીય મૂલ્યોને જાળવી રાખવા તથા સમાજમાં સંસ્કાર, સેવા અને સમરસતાની ભાવના મજબૂત બનાવવા સતત કાર્યરત છે ત્યારે ગુરુઓના આશીર્વાદથી રાષ્ટ્ર વધુ સમૃદ્ધ, સશક્ત અને સંસ્કારવાન બને એવી અમારી પ્રાર્થના છે.
રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમા ભારતીય સંસ્કૃતિનો એક પવિત્ર અને પ્રેરણાદાયી તહેવાર છે. ગુરુ માત્ર જ્ઞાનના દાતા જ નથી, પરંતુ વ્યક્તિના ચારિત્ર્ય નિર્માણ, રાષ્ટ્રભાવના અને સનાતન સંસ્કૃતિના સંવર્ધનના આધારસ્તંભ છે.
કચ્છ જીલ્લા ભાજપ દ્વારા કરાયેલી ગુરુપૂર્ણિમાની ઉજવણીના સમગ્ર આયોજનના જિલ્લા ઇન્ચાર્જ તરીકે મોમાયાભા ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ તરીકે વાઘજીભાઈ છાંગા અને કાનજીભાઈ કાપડી રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.