અમેરિકી પ્રમુખે કહ્યું : ઈરાન અણુ હથિયારો નહીં બનાવે : ઈરાને કહ્યું, હજુ સમજૂતી થઈ નથી
copy image

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે દાવો કર્યો હતો કે, અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધ ખતમ કરી દીધું છે. હવેથી ઈરાન કદી પણ પરમાણુ હથિયાર નહીં બનાવે તેવો દાવો પણ તેમણે કર્યો હતો. દરમ્યાન, ઈરાનના વિદેશમંત્રી અરાઘચીએ બતાવ્યું હતું કે, બંને દેશ શાંતિ સમજૂતીની સૌથી નજીક પહોંચી ગયા છે. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ સમજૂતી પૂરી થયા પછી બધી વિગતો જાહેર કરાશે, ત્યાં સુધી તેની શરતો વિશે ખોટી અટકળો નહીં કરવાની અપીલ અરાઘચીએ કરી હતી. રસપ્રદ હકીકત તો એ બની કે, ટ્રમ્પે પણ ઈરાની વિદેશમંત્રીની આ પોસ્ટ શેર કરી હતી. . અગાઉ ઈરાને ટ્રમ્પના આ દાવાને ફગાવી દીધો હતો. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘઈએ જણાવ્યું હતું કે, શાંતિ સમજૂતી પર હજુ સુધી કોઈ અંતિમ ફેંસલો નથી લેવાયો. જો કે, મોડેથી ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સાથે ડીલ હજી ફાઈનલ થઈ નથી, પણ ટૂંક સમયમાં થઈ જશે, તો ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ પણ કહ્યું હતું કે, સમજૂતી હજુ નિશ્ચિત બની નથી. એ પહેલાં ટ્રમ્પે વ્હાઈટહાઉસમાં કહ્યું હતું કે, સુપ્રીમ લીડર મુજતબા ખોમેનીએ નવી ડીલને અંતિમ મંજૂરી આપી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ એવું પણ કહ્યું હતું કે, ઈરાન સાથે શાંતિ સમજૂતી પર ચાલુ સપ્તાહે જ યુરોપમાં હસ્તાક્ષર થઈ શકે છે. અમેરિકા સાથે વધતી સૈન્ય તાણ વચ્ચે ઈરાને દાવો કર્યો હતો કે, હોર્મુઝ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ છે. ઈરાની સેનાના વરિષ્ઠ અધિકારી એડમિરલ હબીબોલ્લાહ સય્યારીએ કહ્યું હતું કે, આ સમુદ્રી માર્ગથી કોઈ પણ જહાજ ઈરાનની મંજૂરી વિના પસાર થઈ શકશે નહીં. અમેરિકાની અંદરથી જ ઈરાન સાથે સંઘર્ષ ખતમ કરવા માટે ટ્રમ્પ પર દબાણ વધી રહ્યું છે. અમેરિકી જનતા પણ યુદ્ધની આર્થિક અસરોથી અકળાવા માંડી છે.