નેત્રા-લક્ષ્મીપરમાં દીકરીઓના શિક્ષણની જ્વાળા પ્રગટી, ગામલોકોએ ભરી હામ “દીકરી ભણશે તો ગામ આગળ વધશે”
કચ્છ યુનિવર્સિટી સંલગ્ન મહિલા કોલેજ અને એક્સટેન્શન સેન્ટર નેત્રા ખાતે શરૂ થવાના ઐતિહાસિક નિર્ણયના અનુસંધાને “દીકરી ભણે, સમાજ આગળ વધે” જનજાગૃતિ અભિયાનને વેગ મળ્યો છે. આ અભિયાન અંતર્ગત લક્ષ્મીપર-નેત્રા ગામે યોજાયેલી બેઠકમાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
બેઠકમાં મોટી સંખ્યામાં આગેવાનો, યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહી દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે એકસૂરે સમર્થન આપ્યું હતું. નખત્રાણા તાલુકા પંચાયત સભ્ય શ્રી અશ્વિનભાઈ રૂપારેલ, શ્રી ઓસમાણભાઈ સુમરા, શ્રી હરિભાઈ ચારણ, શ્રી ઓસમાણભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન વક્તાઓએ દીકરીઓના ઉચ્ચ શિક્ષણનું મહત્વ વિસ્તારથી સમજાવ્યું હતું. નેત્રા ખાતે શરૂ થઈ રહેલી મહિલા કોલેજથી હવે દીકરીઓને ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણની સુવિધા મળશે, જેના કારણે ગામની દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેવી સૌએ આશા વ્યક્ત કરી હતી. આ અવસરનો લાભ લેવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી.