અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતીનું કાઉન્ટ ડાઉન શરૂ!

copy image

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા સમજૂતી હવે ગણતરીનાં કલાકોમાં જ સાકાર થવાની સંભાવના પ્રબળ બની હોવાનો દાવો બન્ને દેશો વચ્ચે મધ્યસ્થી કરનાર પાકિસ્તાનનાં વડાપ્રધાન શહબાઝ શરીફે કર્યો છે. શરીફે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં જ આ સમજૂતી નક્કી થવાની આશા છે. પાકિસ્તાન આ સમજૂતી કરાર ઉપર ઈલેક્ટ્રોનિક ઢબે હસ્તાક્ષર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સમજૂતી થયા બાદ આગામી સપ્તાહે ટેકનિકલ સ્તરે વાટાઘાટો થશે. તેમણે જણાવ્યું હતું કે, વાટાઘાટ દરમિયાન સતત સહકાર આપવા બદલ તેઓ અમેરિકા અને ઈરાનને ધન્યવાદ પાઠવવા માગે છે અને આમાં સમર્થન કરનાર ભાઈઓનો પણ આભાર માનવામાં આવે છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, અમને પૂરો ભરોસો છે કે, આ ઐતિહાસિક શાંતિ સમજૂતી સ્થાયી શાંતિનો એક મજબૂત આધાર બનશે. બીજીબાજુ ઈરાનનાં મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાઘેરી ગાલિબાફે કહ્યું હતું કે, ઈરાન આખરી જીત સુધી પોતાની વાત ઉપર અડગ રહેશે. તેમણે સોશિયલ મીડિયામાં લખતા જણાવ્યું કે, અમારા હમેશનાં ઘર, ઈરાન ઉપર ઈઝરાયલી અને અમેરિકી સરકારોનાં અપરાધિક હુમલાનાં પહેલા દોરની શરૂઆતને એક વર્ષ પૂરું થયું છે. તેમણે માસૂમ બાળકોની હત્યા કરી હતી અને કોઈપણ પ્રકારનાં અપરાધ કે ક્રૂરતામાં ઓછા ઉતર્યા નહોતાં. જો અમેરિકા અને ઈરાન વચ્ચે આ શાંતિ કરાર થાય તો દુનિયાભરમાં ઊર્જા સંકટ પેદા કરનાર હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખુલી શકે છે અને તેનાથી ઓઈલ બજારમાં મોટી રાહત મળી શકે છે. આ સમજૂતીમાં સૌથી પહેલા તો ઘર્ષણને ખતમ કરવા અને હોર્મુઝ ખોલવા ઉપર ધ્યાન આપવામાં આવશે. ત્યારબાદ અન્ય વિવાદિત મુદ્દાઓની ચર્ચા થશે. સમજૂતી ઉપર હસ્તાક્ષર થયા બાદ 60 દિવસનો ઉપયોગ ઈરાનનાં પરમાણુ કાર્યક્રમનાં ટેકનિકલ પાસાઓની વાતચીત માટે કરવામાં આવશે. –