ભુજમાં જળસંચય જાગૃતિ રેલી અને વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયાં

આજે ભુજ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જળસંચય જાગૃતિ રેલી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર દેશની સાથે કચ્છમાં ચાલી રહેલા જળસંચય અભિયાનને વેગવાન બનાવવાના જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જળ બચાવ અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુસર ભુજની વિવિધ હાઇસ્કૂલોના ૬૫૦થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રૂટો ઉપર જળસંચયના સુત્રોચ્ચાર સાથે જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું.જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા બાદ ભુજની આન-બાન-શાન સમા ઐતિહાસિક જયુબિલી ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનો વૃક્ષારોપણ કરી પ્રારંભ કરાવ્યો હતો.ભુજના પ્રખ્યાત જયુબિલી ગ્રાઉન્ડ ફરતે ૧૫૦થી વૃક્ષોનું વાવેતર જ નહીં પણ તેનું જતન થાય તે માટે ભુજની ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ, ભુજ નગરપાલિકા અને ભાસ્કર ગ્રુપ ભુજનાં સંયુકત ઉપક્રમે વન વિભાગ, ભુજના સહયોગથી સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે વડીલોને બાળકો દ્વારા અપીલ કરતાં હ્રદયસ્પર્શી લખાણ-રંગીન ચિત્રો સહિતના ૧૦,૦૦૦થી વધારે પેમ્ફલેટ વહેંચવામાં આવ્યાં હતા. સમગ્ર કચ્છમાં તબકકાવાર આશરે સાડાચાર લાખ વૃક્ષોનું વાવેતર એક ઐતિહાસિક ઘટના બની રહેશે, તેમ જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એમ.પ્રજાપતિએ જણાવ્યું હતું.જિલ્લાકક્ષાના આ પર્યાવરણ જાળવણી કાર્યક્રમને ધ્યાને લઇ ભુજ નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન, પ્રોબે.આઇએએસ અર્પણાબેન ગુપ્તા, ડીઆરડીએના નિયામક એમ.કે.જોષી, અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, ભુજ પ્રાંત અધિકારી આર.જે.જાડેજા સહિત મુખ્ય વનસંરક્ષક તેમજ વન વિભાગ, સિંચાઇ, શિક્ષણ વિભાગ, ભુજની વિવિધ કચેરીઓનાં ૩૫થી વધુ અધિકારીઓ તેમજ ભુજના નાગરિકો, સહિત પ્રેસ અને મીડિયાના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ‘જળ બચશેઃ જીવન બચશે’ અને વૃક્ષો વાવોઃ સમૃધ્ધિ લાવો’ ની ભાવનાને કેન્દ્રમાં રાખીને જળસંચય રેલી અને વૃક્ષારોપણના આ કાર્યક્રમની હર્ષભેર ઉજવણી સાથે સમગ્ર કાર્યક્રમને અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હોવાનું શ્રી પ્રજાપતિએ ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *