રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ ભુજમાં બીએસએફ ૧૭૬ બટાલિયન ખાતે વૃક્ષારોપણ કરીને વન કવચ નિર્માણનો શુભારંભ કરાવ્યો

એક પેડ મા કે નામ ૩.૦ અભિયાન અંતર્ગત આજરોજ કચ્છના પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ બીએસએફ ૧૭૬ બટાલિયન પરિસર મુન્દ્રા રોડ ભુજ ખાતે નિર્માણ પામનારા વન કવચ અન્વયે ૩૦,૦૦૦ વૃક્ષના વાવેતરનો શુભારંભ કરાવ્યો હતો. આ વન કવચનું નિર્માણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સુશાસન કાર્યકાળની ઉજવણીના ઉપલક્ષ્યમાં સામાજિક વનીકરણ વિભાગ કચ્છ, બીએસએફ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે. રાજ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરીને વાવેતરનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, ફળ ફળાદી વૃક્ષોના વાવેતરને પ્રાથમિકતા આપવામાં આવે જેથી મનુષ્યોની સાથે પશુ પક્ષીઓને પણ લાભ થાય.

        ઉલ્લેખનીય છે કે, સ્મૃતિવન પરિસરમાં મિયાવાંકી પદ્ધતિથી વન વાવેતરના સફળ પ્રયોગ બાદ હવે બીએસએફ પરિસરમાં ત્રીસ હજારથી વધારે વૃક્ષો સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા ઉછેરીને ભુજ શહેરની મધ્યમાં વન કવચનું નિર્માણ કરાશે. રાજ્યમંત્રીશ્રીએ બીએસએફ જવાનોની વીરતા અને અદમ્ય સાહસને બિરદાવીને તેમની સાથે વૃક્ષારોપણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી જયનકુમાર પટેલે વન કવચ વિકાસના આયોજન અંગે રાજ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. રાજ્યમંત્રીશ્રીની સાથે તમામ મહાનુભાવો અને ઉપસ્થિત બીએસએફના જવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું. બીએસએફ જવાનોને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

        આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, અગ્રણીશ્રી ભીમજીભાઈ જોધાણી, શ્રી હિતેશભાઈ ખંડોર, શ્રી ધવલભાઈ આચાર્ય, કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, બીએસએફ ડીઆઈજીશ્રી યોગેન્દ્રસિંહ રાઠોડ, વન સંરક્ષકશ્રી ધીરજ મિત્તલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એચ.એચ.આલ સહિત બીએસએફ જવાનો અને વન વિભાગના કર્મયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.