સરકારી નાણાંનો દુરુપયોગ કરી બળદિયા ગામના જળાશયને દૂષિત કરવાનું કારસ્તાન

કચ્છ જિલ્લાના બળદિયા ગામનો જાહેર જળાશય છેલ્લા ઘણા સમયથી ગંભીર પ્રદૂષણનો ભોગ બની રહ્યો છે. વર્ષ 2023થી સતત આ જળાશયમાં ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે જળાશયનું પાણી, જળચર જીવન અને આસપાસનું પર્યાવરણ ગંભીર અસર હેઠળ આવ્યું છે.
આ બાબતે ગામજનો અને જાગૃત નાગરિકો દ્વારા તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય સ્તરની વિવિધ કચેરીઓમાં અનેક વખત લેખિત ફરિયાદો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી અને ગંદા પાણીના નિકાલ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી નથી.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે જાહેર નાણાં અને સરકારી ગ્રાન્ટોનો ઉપયોગ એવી યોજનાઓ માટે કરવામાં આવ્યો હોય તેવું જણાય છે, જેના પરિણામે ગામના તળાવ અને અન્ય જળસ્ત્રોતો પ્રદૂષિત થઈ રહ્યા છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે પંચાયતી વિભાગ દ્વારા આવી ગ્રાન્ટો કેવી રીતે મંજૂર કરવામાં આવે છે, જ્યારે તેના કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્યને સીધી અસર પહોંચે છે?
બળદિયા ગામના જળાશયમાં થયેલા પ્રદૂષણના કારણે અગાઉ માછલીઓના મોટા પાયે મૃત્યુ જેવી ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવાના બદલે મૌન ધારણ કરવામાં આવ્યું છે.
હવે ગામજનો અને પર્યાવરણપ્રેમીઓ સવાલ કરી રહ્યા છે કે, જો તમામ સંબંધિત કચેરીઓમાં રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થાય, તો ન્યાય મેળવવા માટે તેઓ હવે ક્યાં જાય? જવાબદાર અધિકારીઓ અને સંબંધિત વિભાગો સામે જવાબદારી નક્કી કરવી તથા જળાશયને વધુ પ્રદૂષિત થતો અટકાવવા તાત્કાલિક પગલાં ભરવા સમયની માંગ છે.
બળદિયા ગામના જળાશયને બચાવો, જાહેર નાણાંના દુરુપયોગની નિષ્પક્ષ તપાસ કરો અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરો.