રાપર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની અછત અને અનિયમિત પાણી પુરવઠાની સમસ્યા અંગે આમ આદમી પાર્ટીએ મામલતદારને આવેદન આપ્યું

હાલ ઉનાળાની સીઝનમાં રાપર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે જે અંગે ગ્રામજનો સાથે મળી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.કાયનાત અંસારી આથાએ રાપર મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપી આ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઇ લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ડો.કાયનાત અંસારી આથાએ રાપરના ગાગોદર અને ચિત્રોડ ગામની મુલાકાત લઇ અને પાણી વિતરણની વ્યવસ્થાની ચકાસણી પણ કરી હતી. તેમની સાથે સુનિલ જેઠવાની, ભરતભાઇ ગોહીલ, દિગ્વિજયસિંહ, કાંતી ગોહીલ, પોપટભાઇ, ઇસ્માઇલભાઇ તથા ગ્રામજનો અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા.

આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે, રાપર તાલુકાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. તાલુકાના અનેક ગામો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી નિયમિત મળતું નથી, જેના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં પાણીનો પુરવઠો અનિયમિત હોવાથી લોકોને પીવાના પાણી માટે લાંબી રાહ જોવી પડે છે. ઘણા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા લોકો ખાનગી ટેન્કરો પર નિર્ભર બનવા મજબૂર થયા છે. ઉનાળાની ઋતુ અને વધતા તાપમાનને કારણે પાણીની તંગી વધુ ગંભીર બની રહી છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રાપર તાલુકાના નાગરિકોના આરોગ્ય અને જનહિતને ધ્યાનમાં રાખી પીવાના પાણીનો નિયમિત અને પૂરતા પ્રમાણમાં પુરવઠો સુનિશ્ચિત કરવા તેમજ જ્યાં પાણીની ગંભીર અછત છે ત્યાં તાત્કાલિક ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગણી છે.