ભુજના મુખ્ય ચાર માર્ગીય રસ્તાની દયનીય હાલત

image

ભુજના મુખ્ય ચાર માર્ગીય રસ્તાની દયનીય હાલત — ઝુડિયો મોલ સામે ગટર, ખાડા અને વરસાદ વગર પાણીનો ભરાવો, રાત્રે બંધ સ્ટ્રીટ લાઈટથી અકસ્માતનો ભય
ભુજ શહેરના મુખ્ય માર્ગોમાં ગણાતો, એરોપ્લેન સર્કલ ભુજ, હિલ ગાર્ડન અને એરપોર્ટ રોડને જોડતો ચાર માર્ગીય રસ્તો આજે અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઝુડિયો મોલ સામેના વિસ્તારમાં ગટરના પાણીનો સતત ભરાવો રહેતો હોવાથી વરસાદ ન હોવા છતાં રસ્તા પર પાણી ભરાયેલું રહે છે. સાથે જ મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર ગટરના પાણીથી દુર્ગંધ ફેલાય છે અને માર્ગની સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ બનતી જાય છે. આ રસ્તો શહેરનો મુખ્ય માર્ગ હોવાથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
ઉપરાંત, સ્થાનિક લોકોનું કહેવું છે કે રાત્રિના સમયે આ માર્ગ પર ઘણી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હોવાથી અંધકાર છવાઈ જાય છે. ગટરનું પાણી, રસ્તા પરના ખાડા અને અપૂરતી લાઈટની વ્યવસ્થાના કારણે અકસ્માતની શક્યતાઓ વધી ગઈ છે અને વાહનચાલકોને જીવના જોખમે પસાર થવું પડે છે.
જાગૃત નાગરિકોએ સંબંધિત તંત્રને તાત્કાલિક ગટર વ્યવસ્થા દુરસ્ત કરવા, રસ્તા પરના ખાડાઓનું સમારકામ કરવા, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ બંધ સ્ટ્રીટ લાઈટો તાત્કાલિક ચાલુ કરાવવા માંગ કરી છે, જેથી ભુજના આ મહત્વના માર્ગ પર લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.