સુપ્રીમ કોર્ટે કહ્યું ફૂટપાથ પર ચાલવું મૌલિક અધિકાર

copy image

સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં ફૂટપાથ ઉપર ચાલવાના અધિકારને બંધારણ હેઠળ એક મૌલિક અધિકાર ઘોષિત કર્યો છે. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ એએસ ચંદુરકરની ખંડપીઠે સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે ફૂટપાથ ઉપર ચાલવાનો હક, સડકો ઉપર મોટર વાહનોની અવરજવરથી વધારે મહત્વપૂર્ણ છે. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટના અનુસાર, ફૂટપાથ ઉપર ચાલવાનો અધિકાર સંવિધાનના અનુચ્છેદ 19(1)(ડી)- દેશમાં ક્યાંય પણ સ્વતંત્ર રીતે ફરવાની આઝાદી અને અનુચ્છેદ 21- જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર હેઠળ પુરી રીતે સંરક્ષિત છે.  પીઠે સ્પષ્ટ કર્યું કે જો સડક હોય તો ચાલવા માટે એક ફૂટપાથ અને તેની સંભાળ થાય તે સુનિશ્ચિત કરવું એક કર્તવ્ય હોવું જોઈએ. પીઠે જણાવ્યું હતું કે, સીમાંકિત ફૂટપાથ ઉપર ચાલવાના અધિકારનું ઉલ્લંઘન થતા નાગરિકોને વળતર મેળવવાનો અને  જવાબદાર અધિકારીઓ સામે સંવૈધાનિક અને કાનૂની ઉપાયોનો ઉપયોગ કરવાનો અધિકાર રહેશે. આ ઉપાય મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ ઉપલબ્ધ ઉપાયોમાંથી અલગ છે.  અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે જે નાગરિકોના ફૂટપાથ ઉપર ચાલવાના મૌલિક અધિકારનું હનન થાય તે વળતર માટે અધિકારીઓ સામે કાનૂની દાવો કરી શકે છે અને આ રસ્તો મોટર વાહન અધિનિયમ હેઠળના દાવાથી અલગ રહેશે. અદાલતે એમ પણ જણાવ્યું હતું કે સુરક્ષિત અને આરામદાયક ફૂટપાથની કમી અને મોટર વાહનોને તેનાથી વધારે મહત્વ આપવું એક જુની સમસ્યા બની ચુકી છે.