તમિલનાડુમાં એમોનિયા ગેસ લીક થતા 7ના મોત
copy image

તા. 21: તામિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં આવેલા એક સીફૂડ પ્રોસાસિંગ યુનિટમાં એમોનિયા ગેસ લીક થવાની ગંભીર ઘટનામાં 7 મહિલા શ્રમિકના કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અનેક લોકોની હાલત હજુ પણ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. આરંભિક માહિતી મુજબ , ઓછામાં ઓછા 67 જેટલા શ્રમિક હાલ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જેમાંથી આશરે સાતને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સીએમ વિજયે ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. આ અકસ્માત પેરિયાપાલયમ નજીક કન્નીગાપેર ગામમાં આવેલી `સેન્ટ પીટર્સ એન્ડ પોલ સીફૂડ્સ એક્સપોર્ટ્સ’ ફેક્ટરીમાં સર્જાયો હતો. ગેસ ગળતર થતાં જ ફેક્ટરી પરિસરમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા મજૂરો હોવાનું કહેવાય છે. ગેસના સંપર્કમાં આવ્યા બાદ અનેક કામદારોએ શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા અને ઉલ્ટી જેવી સમસ્યાઓની ફરિયાદ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, એમોનિયા ગેસનું લીકેજ ફેક્ટરીમાં લગાવવામાં આવેલા એક મુખ્ય વાલ્વમાંથી થયું હતું. આ ઘટનાને ગંભીરતાથી લઈને તામિલનાડુ સરકારે ગેસ લીકેજના કારણોની તપાસ કરવા માટે ડીન ડોક્ટર શાંતારામની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. બીજી તરફ, પોલીસે આ મામલે કંપની સામે એફઆઈઆર નોંધીને તેના માલિકની ધરપકડ કરી હતી.