જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પસ્તી ગ્રુપની અનોખી પહેલ : ભુજમાં શૈક્ષણિક કિટ વિતરણ સમારંભ યોજાયો

સમાજસેવા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ એક વખત સાબિત કરતાં ભુજના પસ્તી ગ્રુપ દ્વારા અને ભુજ નગર પાલિકા નાસહયોગ થીજરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે મફત શૈક્ષણિક કિટ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૧થી સતત સેવાકીય કાર્યો દ્વારા સમાજમાં આગવી ઓળખ ઉભી કરનાર પસ્તી ગ્રુપે આ વર્ષે પણ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 1350 જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવી તેમના ભવિષ્યને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.

કાર્યક્રમનો શુભારંભ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલ ગઢવી, બિંદિયાબેન ઠક્કર, રૂપલબેન ચાવડા,ગીતાબેન પટેલ, પ્રફુલ્લસિંહ જાડેજા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ પસ્તી ગ્રુપની વર્ષોથી ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને સમાજના અન્ય સંગઠનોને પણ આવી પ્રવૃત્તિઓમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી.

આ પ્રસંગે સંબોધન કરતાં પાલિકા પ્રમુખ શીતલભાઈ શાહે પસ્તી ગ્રુપની કામગીરીના ખોબે ખોબા વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સંસ્થાએ વર્ષોથી કોઈપણ પ્રકારના પ્રચાર-પ્રસારની લાલસા વગર સમાજના વંચિત વર્ગો માટે નોંધપાત્ર કામ કર્યું છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતી મદદ અનેક પરિવારો માટે આશીર્વાદ સમાન બની રહી છે.

ધારાસભ્ય કેશુભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, તેઓ પોતે પણ વર્ષોથી પસ્તી દાતા તરીકે પસ્તી ગ્રુપ સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું હતું કે, પસ્તી ગ્રુપનું કાર્ય એક અલગ પ્રકારનુ શાંતિપૂર્વક અને નિઃસ્વાર્થ ભાવથી કામ કરે છે અને પ્રચારથી દૂર રહીને સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પહોંચાડે છે. ખાસ કરીને શાળાઓમાં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ લાવવાનું કાર્ય પસ્તી ગ્રુપ સતત ૧૫ વર્ષ થી કરી રહ્યું છે.

પસ્તી ગ્રુપ દ્વારા વર્ષોથી ઘરોમાંથી એકત્રિત કરવામાં આવતી પસ્તીમાંથી મળતી આવકનો ઉપયોગ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે. શૈક્ષણિક સહાય ઉપરાંત રક્તદાન કેમ્પ, મતદાર જાગૃતિ અભિયાન અને અન્ય અનેક સેવાકીય કાર્યક્રમો દ્વારા સંસ્થાએ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પહોંચાડીને સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

આ કાર્યક્રમ માં અમૃતલાલભાઇ પટેલ, ભાવના બેન મુકેશ ભાઇ ઠક્કર, જયેશભાઇ ઠક્કર, ઉમેદસિંહ સોઢા, ગણપતસિંહ સોઢા,મનીષભાઇ ઝાલા, જયેશભાઇ ચૌહાણ, નિરુબેન કેશરાણી, મણીબેન પટેલ, મનદીપભાઇ વિગેરે પસ્તીદાતાશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

જેને કારણે બાળકો અને તેમના વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કૃપાબેન નાકરે કર્યું હતું. પ્રકાશભાઇ ઠક્કર પુજા ટ્રાવેલ્સ તરફથી વિર્ધાથીઓને લેવા મુકવા માટે બસ ની વ્યવસ્થા નિશુલક કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો, દાતાશ્રીઓ અને નાગરિકોએ પસ્તી ગ્રુપની આ સેવા યાત્રાને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી હતી અને ભવિષ્યમાં પણ આવા કાર્યોને સતત સમર્થન આપવાની લાગણી વ્યક્ત કરી હતી. પસ્તી ગ્રુપ ના સભ્યોએ તમામ વ્યવસ્થા સંભાળી હતી.