બાળક નિયમિત રીતે સ્કૂલ આવીને શિક્ષણ મેળવે તે આપણા સૌની સંયુક્ત જવાબદારી: શ્રી ધવલ પંડ્યા.

 રાજ્ય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કચ્છના મુન્દ્રા તાલુકાની વિવિધ શાળાઓમાં જીએસડીએમએના એડીશનલ સીઈઓ શ્રી ધવલ પંડ્યાએ નાના ભૂલકાંઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.‌

        આ ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત તા. ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન મુન્દ્રા તાલુકાના ૯ ગામોની ૧૮ શાળાઓમાં બાલવાટિકા, ધોરણ-૧, ધોરણ-૯ અને ધોરણ-૧૧ માં નવીન પ્રવેશપાત્ર બાળકો તેમજ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં આવશે.

       આજરોજ તા. ૨૩ જૂનના શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે મુન્દ્રા તાલુકાની ટૂંડા, મોટા કાંડાગરા અને મોટી ખાખર ખાતે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ અંદાજે ૧૮૭ જેટલા પ્રવેશપાત્ર બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

         આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને શ્રી ધવલ પંડ્યાએ બાળકો અને વાલીઓને પ્રેરક સંબોધન કરતાં જણાવ્યું હતું કે, બાળકોમાં શિક્ષણ પ્રત્યે નિયમિતતા કેળવવી તે આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. શિક્ષણનો વ્યાપ વધે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ જ શાળા પ્રવેશોત્સવ ઉદ્દેશ્ય છે તેમ ઉમેરીને શ્રી ધવલ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ બાળકોના જીવન ઘડતરનું પ્રથમ પગથિયું છે. શિક્ષણથી બાળકોના જીવન ઘડતર અંગે વાલીઓને માર્ગદર્શન આપીને શ્રી ધવલ પંડ્યાએ રાજ્ય સરકારશ્રીની સિદ્ધિઓને બિરદાવતાં કહ્યું હતું કે, સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ થકી એક મોટી સિદ્ધિ હાંસલ થઈ છે, જેના પરિણામ સ્વરૂપે વર્ષ ૨૦૦૨ માં જે ડ્રોપ આઉટ રેશિયો ૩૮% હતો, તે ઘટીને વર્ષ ૨૦૨૬ માં ૨% થી પણ નીચે આવી ગયો છે.

          શાળા પ્રવેશોત્સવ દરમિયાન શ્રી ધવલ પંડ્યાએ બાળકોને ઉમળકાભેર આવકારીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ ઉપરાંત, બાળકોને ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે માટે SMC અને SMDC ના સભ્યો સાથે ખાસ બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં શાળાની માળખાકીય સુવિધાઓ જેવી કે વીજળી, પાણી તેમજ શાળા અને શિક્ષણને લગતા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત કચેરીઓને જરૂરી સૂચનો આપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.  કાર્યક્રમના અંતે શ્રી ધવલ પંડ્યા સહિત મહાનુભાવો અને બાળકો દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.

         આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ, ગામના સરપંચશ્રીઓ, મામલતદાર(ડીઝાસ્ટર) શ્રી પી.કે.ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી રવિભાઈ સોલંકી, બીઆરસી કો-ઓર્ડિનેટરશ્રી સમીરભાઈ ચંદારાણા સહિત ગ્રામજનો, વાલીઓ, SMC અને SMDCના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.