યુક્રેન યુદ્ધમાં જેડી વેન્સ ભારતીય સૈનિકોને તહેનાત કરવા માગતા હતા, મોદી નહીં માને કહી ટ્રમ્પે ફગાવ્યો હતો પ્લાન

copy image

અમેરિકાના ઉપ પ્રમુખ જેડી વેન્સે યુક્રેન યુદ્ધમાં ભારતીય સૈનિકોને તહેનાત કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. જો આવું થયું હોત તો આ યુદ્ધમાં કેટલાય ભારતીયોના જીવ જોખમમાં મુકાઈ ગયા હોત. મળતી માહિતી મુજબ વેન્સે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ આ પ્લાનનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. જોકે, ટ્રમ્પે આ પ્લાન સાંભળતાની સાથે જ તેને તાત્કાલિક નકાર્યું હતો. ટ્રમ્પે સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારત આના માટે ક્યારેય તૈયાર નહીં થાય. તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક નવા પુસ્તકમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ દાવા પ્રમાણે યુક્રેનમાં ભારતીય સૈનિકોને શાંતિદૂત બનાવીને મોકલવાના જેડી વેન્સના પ્રસ્તાવને ટ્રમ્પે તાત્કાલિક ફગાવી દીધો હતો. ટ્રમ્પે આગળ કહ્યું કે, વડા પ્રધાન મોદી મને ખૂબ પસંદ કરે છે અને તેઓ અહીં આવવા માગે છે. પરંતુ આ પછી ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ‘ભારતીયો આવી બાબત માટે ક્યારેય નહીં માને.’ ટ્રમ્પે આગળ જણાવ્યું કે, ‘જો બ્રિટન કે ફ્રાન્સ પોતાના સૈનિકોને ત્યાં મોકલવા માગતા હોય તો મને કોઈ વાંધો નથી, પરંતુ શરત માત્ર એટલી જ છે કે તેનાથી અમેરિકા પર કોઈ પણ પ્રકારનો આર્થિક કે સૈન્ય બોજ ન પડવો જોઈએ.’