પત્રકારોના સ્વાસ્થ્ય માટે ભુજ ખાતે ત્રણ દિવસીય યોગ શિબિરનું આયોજન
આજના સતત તણાવ અને માનસિક દબાણ ભર્યા માહોલ વચ્ચે ફરજ બજાવતા પત્રકારોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા માહિતી કચેરી કચ્છ અને‘આર્ટ ઓફ લિવિંગ’ના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે ત્રણ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિર તા. 26, 27 અને 28 જૂન 2026 દરમિયાન બેન્કર્સ કોલોની ખાતે સવારે 7 થી 9.30 કલાકે, ઉમા યોગ કેન્દ્ર, બેન્કર્સ કોલોની, ગેટ નંબર. 5, શ્રીજી સ્વીટ વાળી ગલી ભુજ ખાતે યોજાશે. શિબિરમાં પત્રકારોના માઈન્ડફુલનેસ, તણાવમુક્તિ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
જિલ્લા નાયબ માહિતી નિયામકશ્રીએ જણાવ્યું કે, આ શિબિરમાં જિલ્લાના તમામ પત્રકારો, અખબાર અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ઓફિસ સ્ટાફ પણ ભાગ લઈ શકશે. રોજિંદા કામના દબાણ વચ્ચે યોગ અને પ્રાણાયામ દ્વારા માનસિક શાંતિ અને કાર્યક્ષમતા વધારવાનો આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ છે.
‘આર્ટ ઓફ લિવિંગ’ના તાલીમબદ્ધ યોગ પ્રશિક્ષકો શિબિર દરમિયાન આસન, પ્રાણાયામ અને ધ્યાનની સરળ પદ્ધતિઓ શીખવશે, જે રોજિંદા જીવનમાં સરળતાથી અપનાવી શકાય.
આયોજકોએ જિલ્લાના તમામ મીડિયા કર્મીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ તકનો લાભ લેવા અનુરોધ કર્યો છે.