ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ ચંદિયા, સિનુગ્રા અને વીરા ગામે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ભૂલકાંઓને સ્નેહભેર પ્રવેશ અપાવ્યો

 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજરોજ અંજારના ચંદિયા, સિનુગ્રા અને વીરા ગામે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ બાલવાટિકા, ધો.૦૧, ધો. ૦૯ અને ધો. ૧૧ના વિદ્યાર્થીઓને સ્નેહ સાથે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.

       આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝનની લીધે સમગ્ર કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધર્યું છે. ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરીને કચ્છ જિલ્લાના ૮૬૭થી વધુ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ મેળવે તે શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનની સાક્ષી પુરે છે. આજે ગુજરાતની તમામ શાળાઓ આધુનિક સુવિધાઓથી સંપન્ન બની છે. ગામડાઓમાં વિદ્યાર્થીઓ ડિજિટલ શિક્ષણ મેળવી રહ્યા છે. શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ સ્માર્ટ ક્લાસ, અત્યાધુનિક શૈક્ષણિક માળખાકીય સુવિધાઓ વિશે વિગતવાર જાણકારી આપીને તેનો શ્રૈય રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપ્યો હતો.

        શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ અને મહિલા શિક્ષણને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાથમિકતા આપી છે તેના લીધે મેરિટમાં દીકરીઓ આજે દીકરાઓને મજબૂત તંદુરસ્ત સ્પર્ધા આપી રહી છે. અંજાર તાલુકામાં ૩ નવી કોલેજ સાથે કચ્છમાં રાજ્યમાં સર્વાધિક હાઈસ્કૂલની ફાળવણીનો વિશેષ ઉલ્લેખ કરીને રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ શાળા કોલેજો કચ્છના વિદ્યાર્થીઓ માટે આર્શીવાદરૂપ બનશે અને તેમના જીવન ઘડતરમાં ઘર આંગણે મદદરૂપ બનશે. શિક્ષણને સૌ નાગરિકો અને સરકારની સંયુક્ત જવાબદારી ગણાવીને રાજ્યમંત્રીશ્રીએ વાલીઓ અને ગ્રામજનોને અનુરોધ કર્યો હતો કે, આજે પ્રવેશ મેળવી રહેલા બાળકો આવતીકાલના ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. આ બાળકોની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ. રાજ્યમંત્રીશ્રી બાળકોના રસના વિષયો સાથે ઉચ્ચ શિક્ષણ અપાવવા વાલીઓને અનુરોધ કર્યો હતો.

      શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ વિવિધ પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા અને શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરીને બિરદાવ્યા હતા. રાજ્યમંત્રીશ્રીએ SMDC અને શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં હાજર રહીને શાળામાં ખૂટતી કડીઓ અને સિદ્ધિઓ વિશે જાણકારી મેળવી હતી. રાજ્યમંત્રીશ્રીએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને આગામી દિવસોમાં કચ્છને હરિયાળું બનાવવા માટે છોડ વાવવાનો સંદેશ આપ્યો હતો.

      વીરા ગામે ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરીને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ ભવનના નિર્માણમાં ગામના દાતાઓએ જમીન સહિતનો સહયોગ કર્યો છે તે ખરેખર વંદનીય છે. રાજ્યમંત્રીશ્રીએ નવનિર્મિત ભવનનું નિરીક્ષણ કરીને ગ્રામજનોને વિદ્યાનું મંદિર હંમેશા સુંદર અને સ્વચ્છ રહે તે માટે તમામ જરૂરી પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ વિદ્યાર્થીઓને આર્શીવચન આપતા જણાવ્યું કે, આજે ૨૧મી સદીનો યુગ ટેક્નોલોજીનો યુગ છે, વિજ્ઞાનનો યુગ છે તેથી વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણ મેળવવું આવશ્યક બની ગયું છે. નાના નાના ભૂલકાઓ સહિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને રાજ્યમંત્રીશ્રીએ તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. રાજ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા કે, અંજારમાં સરકારે પોલીટેકનિક, કૃષિ સહિત ૩ કોલેજને મંજૂરી આપી છે. કચ્છ જિલ્લામાં મંજૂરી થયેલી ૪૮ હાઈસ્કૂલો કચ્છ જિલ્લાના શૈક્ષણિક વિકાસમાં મોટો ફાળો આપશે.

      શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને ચંદિયા અને સિનુગ્રા ગામે આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સમાં રતનાલ જિલ્લા પંચાયત સદસ્યશ્રી નરેશભાઈ થારૂ, આગેવાનશ્રીઓ મયુરભાઈ પટેલ, શ્રી રામજીભાઈ, શ્રી કાનજીભાઇ સોરઠીયા, શ્રી પાર્વતીબેન કાતરિયા, શ્રી રમેશભાઈ કાતરિયા, શ્રી ભીમજીભાઈ, શ્રી દેવજીભાઈ સોરઠીયા, પૂર્વ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી ભૂમિતભાઈ વાઢેર, શ્રી મૂળજીભાઈ મીંઢાણી, શ્રી શામજીભાઈ  ચૈયા, શ્રી પિયુષભાઈ ડાંગર, શ્રી કલ્પનાબેન બરાડીયા, શ્રી ભરતભાઈ કાતરિયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત વાલીઓ, શિક્ષણગણ અને વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

       વીરા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ તેમજ સરકારી હાઇસ્કૂલના લોકાર્પણ પ્રસંગે આહિર અગ્રણી શ્રી તેજાભાઈ કાનગડ, સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજી હુંબલ, શ્રી અરજણભાઈ કાનગડ, શ્રીમતિ દેવીબેન કાનગડ, શ્રી નરેશભાઈ થારૂ, શ્રી શંભુભાઈ મિયાત્રા, શ્રી બી.એન.આહિર, શ્રી જયશ્રીબેન આહિર, ગામના સરપંચશ્રી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, શિક્ષણ વિભાગના અધિકારીશ્રી મૂળજીભાઈ મીંઢાણી અને વિદ્યાર્થીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા