બાળકોને ભણાવવા માટે વાલીઓને ખાસ અનુરોધ કરતાં જીએસડીએમએના એડીશનલ સીઈઓ શ્રી ધવલ પંડ્યા

રાજ્ય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કચ્છના મુન્દ્રા તાલુકામાં ત્રિદિવસીય (તા. ૨૩, ૨૪ અને ૨૫ જૂન) કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રવેશોત્સવના દ્વિતીય દિવસે મુન્દ્રા તાલુકાની જબલપુર પ્રાથમિક શાળા, દેશલપર કંઠી ગ્રૂપ પીએમશ્રી પ્રાથમિક શાળા અને નવીનાળ પ્રાથમિક શાળા ખાતે જીએસડીએમએના એડીશનલ સીઈઓ શ્રી ધવલ પંડ્યાના હસ્તે નાના ભૂલકાંઓને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. શ્રી ધવલ પંડ્યાએ બાળકોને વ્હાલથી શાળામાં પ્રવેશ આપીને તેઓની ઉજ્જ્વળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ વિશેષ પ્રસંગે શ્રી ધવલ પંડ્યા દ્વારા દેશલપર કંઠી પ્રાથમિક ગ્રૂપ શાળા ખાતે નવનિર્મિત બાલવાટિકા સંકુલ અને વિજ્ઞાન લેબનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. આ નવીન સુવિધાઓ થકી શાળાના વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ અને વિજ્ઞાનના પ્રાયોગિક જ્ઞાનનો લાભ મળશે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા શ્રી ધવલ પંડ્યાએ બાળકોને અચૂક ભણાવવા માટે વાલીઓને ખાસ અનુરોધ કર્યો હતો. તેઓએ પ્રેરક સંબોધન કરતાં જણાવ્યું હતું કે, બાળકોને દરરોજ સ્કૂલે મોકલવા અને તેમની શૈક્ષણિક કારકિર્દી વિશે ધ્યાન રાખવું એ આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. રાજ્ય સરકારની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવતાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારના શાળા પ્રવેશોત્સવ જેવા સઘન પ્રયાસો થકી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં મોટી સિદ્ધિ હાંસલ થઈ છે; વર્ષ ૨૦૦૨ માં જે ડ્રોપ આઉટ રેશિયો ૩૮% હતો, તે ઘટીને વર્ષ ૨૦૨૬ માં ૨% થી પણ નીચે આવી ગયો છે.
શાળામાં ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ જળવાઈ રહે અને શિક્ષણનો વ્યાપ વધે તે હેતુથી શ્રી પંડ્યાએ SMC અને SMDC ના સભ્યો સાથે એક ખાસ બેઠક યોજી હતી. જેમાં વીજળી, પાણી, વિદ્યાર્થીઓની નિયમિતતા તેમજ શાળાને લગતા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ પ્રશ્નોના નિકાલ માટે સંબંધિત કચેરીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. કાર્યક્રમના અંતે શ્રી ધવલ પંડ્યા સહિત મહાનુભાવો અને બાળકો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, મામલતદાર (ડીઝાસ્ટર) શ્રી પી.કે.ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી રવિભાઈ સોલંકી, બીઆરસી કો-ઓર્ડિનેટરશ્રી સમીરભાઈ ચંદારાણા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ તથા SMC અને SMDC ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.