ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ વિથોણ, નખત્રાણા અને મથલ ખાતે બાળકોને પ્રવેશ અપાવીને શાળામાં આવકાર આપ્યો

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજરોજ તૃતીય દિવસે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ નખત્રાણા તાલુકાની સંતશ્રી ખેતાબાપા હાઈસ્કૂલ વિથોણ, ટી.ડી.વેલાણી કન્યા માધ્યમિક શાળા નખત્રાણા અને મથલ કન્યા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ કરાવીને બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ શ્રી વિથોણ કુમાર પ્રાથમિક શાળા અને શ્રી મથલ પ્રાથમિક કન્યા શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તેની ચિંતા કરી છે. જેના લીધે જ રાજ્યમાં સૌથી વધારે હાઈસ્કૂલ, શિક્ષકોની વિશેષ ભરતી જેવી સવલતો કચ્છને પ્રાપ્ત થઈ રહી છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળમાં સ્ત્રી શિક્ષણ સહિત શિક્ષણના સર્વાંગી વિકાસની નેમ સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી હતી. કન્યા કેળવણી મહોત્સવથી દીકરીઓના શિક્ષણમાં અભૂતપૂર્વ સુધારો આવ્યો છે. આજે દીકરીઓ રાજ્યકક્ષાએ સ્પર્ધા કરીને દીકરાઓ કરતાં વધુ પરિણામ લાવી રહી છે. ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો નોંધાયો છે, આજે એક પણ વિદ્યાર્થી શાળા ન છોડે તેની દરકાર સરકાર કરી રહી છે. ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આજના યુગમાં ખૂબ જ આવશ્યક બની ગયું છે તેમ જણાવીને શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, દરેક ધંધા રોજગારમાં હવે શિક્ષણ એ પ્રાથમિક બાબત બની ગઈ છે.
નવીન શાળા ભવન તેમજ ઓરડાઓના લોકાર્પણ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નવનિર્મિત અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ શાળાઓ કચ્છના શિક્ષણ ક્ષેત્રમાં એક મોટું પરિવર્તન લાવશે. આજે શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, પ્રયોગશાળાઓ, લાઈબ્રેરી અને અન્ય તમામ આનુષંગિક સુવિધાઓ વિદ્યાર્થીઓને મળી રહી છે. ગુજરાત સરકાર ક્વોલિફાઈડ શિક્ષકોની ભરતી કરીને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરી રહી છે. નાગરિકોને જાગૃતિપૂર્વક સરકારના શૈક્ષણિક ઉત્થાનના પ્રયત્નોમાં સહભાગી બનવા રાજ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શાળા ભવનની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. કમ્યુપ્ટર લેબ, પ્રયોગશાળા, સ્માર્ટ અને ડિજિટલ ક્લાસરૂમની સવલતનો નિહાળીને રાજ્યમંત્રીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાલીઓને જાગૃત કરીને દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે તેમ નેમ લીધી હતી. આ જ પ્રેરણાથી શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે સ્ત્રી શિક્ષણમાં સકારાત્મક પરિણામની સાક્ષી પુરી રહ્યો છે. ધારાસભ્યશ્રીએ રાજ્ય સરકારના દિશાદર્શનમાં નવીન શાળાઓ, કસ્તુરબા ગાંધી વિદ્યાલય જેવી સુવિધાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વાલીઓ બાળકો રેસિડેન્સિયલ સુવિધાઓ સાથે પણ દીકરીઓને ભણાવી શકે તે પ્રકારે શૈક્ષણિક સુવિધાઓ સરકારે વિકસાવી છે. શિક્ષણ સંબંધિત યોજનાઓનો લાભ લઈને દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા ધારાસભ્યશ્રીએ વાલીઓને અનુરોધ કર્યો હતો.
શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાની વિવિધ પરીક્ષાઓમાં
ઉત્તીર્ણ થનારા અને શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરીને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યમંત્રીશ્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજીને શાળાની જરૂરિયાતો, સૂચનોને આવકાર્યા હતા. ચોમાસાના સમયગાળા દરમિયાન નાગરિકો વૃક્ષો વાવે એવો સંદેશ આપીને રાજ્યમંત્રીશ્રીએ મહાનુભાવોની સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, અબડાસા અને નખત્રાણા તાલુકાના જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર સહિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.