દિનેશ ત્રિવેદી બનશે બાંગલાદેશમાં કેબિનેટ મંત્રી

copy image

copy image

 કેન્દ્ર સરકારે બાંગલાદેશમાં ભારતના હાઇકમિશનર દિનેશ ત્રિવેદીને ઔપચારિક કાર્યક્રમો માટે કેન્દ્રીય કેબિનેટ મંત્રીના સમકક્ષ દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયના જાહેર વિભાગ દ્વારા જારી કરાયેલા એક મેમોરેન્ડમમાં બતાવાયું હતું કે, આ દરજ્જો વ્યક્તિગત ધોરણે આપવામાં આવ્યો હતો.  ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ,આ કેબિનેટ મંત્રી સમકક્ષ દરજ્જો ફક્ત રાજ્ય અને ઔપચારિક કાર્યક્રમો દરમિયાન જ અસરકારક રહેશે. તેનો હેતુ હાઇકમિશનરને પ્રોટોકોલ હેઠળ કેન્દ્રીય કેબિનેટ મંત્રી જેટલી જ અગ્રતા આપવાનો છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, આનાથી કોઈ પણ બંધારણીય કે વહીવટી સત્તામાં ફેરફાર થતો નથી અને તે પદના કાયમી દરજ્જાને અસર કરશે. ઓફિસ મેમોરેન્ડમમાં જણાવાયું છે કે, આ વ્યવસ્થા ફક્ત દિનેશ ત્રિવેદીને જ વ્યક્તિગત રીતે લાગુ પડે છે અને તેને પ્રાથમિકતાના કોષ્ટકમાં કાયમી સુધારો ગણવામાં આવશે નહીં. મતલબ કે, તેની ભવિષ્યમાં અન્ય હોદ્દાઓની પ્રાથમિકતા અથવા ક્રમ પર કોઈ અસર પડશે નહીં. ગૃહ મંત્રાલયના અંડર સેક્રેટરી કમલેશ રબીદાસ દ્વારા જારી કરાયેલા આ આદેશની નકલો તમામ કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો, રાષ્ટ્રપતિ સચિવાલય, ઉપરાષ્ટ્રપતિ સચિવાલય, વડાપ્રધાન કાર્યાલય, કેબિનેટ સચિવાલય અને વિદેશ મંત્રાલય સહિત અન્ય સંબંધિત સંસ્થાઓને મોકલવામાં આવી છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણય વિદેશ મંત્રાલયની પ્રસ્તાવના આધારે લેવામાં આવ્યો હતો. દરમ્યાન ભારત સરકારે બાંગલાદેશી નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કર્યા હોવાની આ જાહેરાત દિનેશ ત્રિવેદીએ કરી હતી. શેખ હસીના સરકારનાં પતન પછી છેલ્લા બે વર્ષથી આ વિઝા સ્થગિત કરવામાં આવ્યો હતો. જો કે, બાંગલાદેશી નાગરિકો મેડિકલ વિઝા પર ભારતની મુસાફરી કરી રહ્યા હતા. આ પગલાંને ભારત-બાંગલાદેશ સંબંધોમાં સુધારા તરીકે જોવાઈ રહ્યું છે.