ગેસ સંકટ હળવું થતાં નિયંત્રણો દૂર

copy image

 પશ્ચિમ એશિયામાંથી ભારત માટે એક અત્યંત સારા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી બંધ રહેલો `સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો દરિયાઈ માર્ગ હવે ખુલી ગયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર થયા બાદ, ભારત માટે ક્રૂડ ઓઇલ અને ગેસ લઈને આવતાં જહાજો સતત આગળ વધી રહ્યાં છે. અત્યાર સુધીમાં ભારત આવનારાં 30થી વધુ જહાજો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યાં છે, જ્યારે હજુ પણ ડઝનબંધ જહાજ ત્યાંથી પસાર થવા માટે પોતાની વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ ગેસ સંકટ હળવું થતાં સરકારે એલપીજી સપ્લાય ઉપર લાદેલાં નિયંત્રણો દૂર કર્યાં છે. હોટેલ, રેસ્ટોરન્ટ સહિતના કોમર્શિયલ ગ્રાહકો માટે એલપીજીનાં નિયંત્રણ હટાવાયાં છે. જથ્થાબંધ એલપીજીમાં સપ્લાયની ટોચ મર્યાદા હવે અગાઉના 50 ટકા કરી દેવાઈ છે. કોમર્શિયલ એલપીજી ક્વોટા 70 ટકાથી ફરી 100 ટકા કરી દેવાયો છે. હોર્મુઝનો આ દરિયાઈ માર્ગ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આર્થિક અને વ્યૂહનીતિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો છે.  ભારત માટે કતારથી આવતો ગેસ હોય કે અન્ય ખાડી દેશોમાંથી આવતું ઓઇલ, તે મોટાભાગે આ જ રસ્તેથી દેશમાં મગાવવામાં આવે છે. શીપિંગ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત આવનારા 30 જહાજ અત્યાર સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કરી ચૂક્યા છે. આ 30 જહાજમાંથી 15માં એલપીજી અને એલએનજી ગેસ, આઠમાં બલ્ક કાર્ગો અને સાત જહાજમાં ક્રૂડ ઓઇલ ભરેલું છે. ડેટા અનુસાર, 1 માર્ચથી 17 જૂનની વચ્ચે 19 જહાજે હોર્મુઝ પાર કર્યું હતું, જ્યારે ઈરાન-અમેરિકા વચ્ચે સમજૂતી થયા બાદ બાકીના 11 જહાજ સુરક્ષિત રીતે નીકળ્યાં છે. આમાંથી કેટલાંક જહાજો ભારતીય બંદરો પર પહોંચી ગયાં છે અને બાકીના ટૂંક સમયમાં પહોંચશે.