ભુજ તા., અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલ સ્થિત બ્લડબેંક દ્વારા જુલાઈ માસ દરમિયાન વિવિધ સંસ્થાઓના સહયોગથી અને જુદા જુદા વિસ્તારોમાંથી કુલ દસ કેમ્પ દ્વારા ૧.૯૧ લાખ સીસી અર્થાત ૫૪૬ બેગ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. વિવિધ જ્ઞાતિના યુવકમંડળો, સ્કુલ કોલેજના વિધાર્થીઓ, ઉધોગગૃહો તેમજ માતૃભૂમિની રક્ષા કરતા જવાનોએ ગત માસ દરમિયાન સ્વેચ્છાએ રક્તદાન કેમ્પ યોજી સહકાર આપ્યો હતો. ભુજ તાલુકાના ધાણેટી ખાતે આર.એસ.એસ. યુવકમંડળ દ્વારા ૬૬ બેગ, નખત્રાણા ખાતે પશ્ચિમ કચ્છ ગુર્જર ગરવા સમાજ દ્વારા ૬૬ બેગ લોહી ભેગું કરવા સાથ સાંપડ્યો હતો. જયારે સાંઘીપુરમ મુકામે એમ.ડી. રવિ સાંઘીના જન્મદિન નિમિત્તે ૭૦ બોટલ તેમજ મુન્દ્રા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છની સુરક્ષાના પહેરેદારો સમા સીમા સુરક્ષાદળનાં જવાનોએ ભુજ અને ખાવડા ખાતે ૧૦૦ જેટલી બોટલ રક્ત આપ્યું હતું. આ ઉપરાંત એચ.જે.ડી. ઇન્સ્ટીટ્યુટ કેરા જી.એમ.ડી.સી. માતાના મઢ, ગોસ્વામી યુવકમંડળ સરસ્વતી સન્માન કાર્યક્રમ પ્રસંગે પણ રક્તદાન કરવામાં આવ્યું હતું. એમ બ્લડબેંકનાં કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યું હતું.