ભારત આવશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ: અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોની મોટી જાહેરાત

copy image

૨૭ જૂન ૨૦૨૬: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક અને વ્યાપારિક સંબંધો એક નવા સુવર્ણ યુગમાં પ્રવેશવા જઈ રહ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ એક મોટી અને સત્તાવાર જાહેરાત કરતા કહ્યું છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે.વિદેશ મંત્રી રુબિયોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેઓ પોતે આ ઐતિહાસિક અને હાઈ-પ્રોફાઈલ મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરવા અને બંને દેશો વચ્ચેના બહુપ્રતીક્ષિત વ્યાપારિક કરારનેવહેલી તકે અંતિમ ઓપ આપવા માટે ટૂંક સમયમાં જ ભારત પહોંચશે. આ પ્રવાસ બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. તેમજ ભારતની પ્રશંસા કરતા એવું પણ કહેવામાં આવ્યું કે, ભારત વિશ્વના એવા પસંદગીના દેશોમાં સામેલ છે જે હેવી ક્રૂડ ઓઇલને રિફાઇન કરવાની ક્ષમતા ધરાવે છે. હાલમાં ભારત, અમેરિકા અને વેનેઝુએલા પરસ્પર મળીને ક્રૂડ ઓઇલનો પુરવઠો વધારવા માટે ખૂબ જ નજીકથી કામ કરી રહ્યા છે. આ સાથે જ અમેરિકાની વિઝા સિસ્ટમમાં થનારા ફેરફારો અંગે પણ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી હતી કે, આ ફેરફારોનું નિશાન ભારત બિલકુલ નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ આગામી પ્રવાસ અંગે વાત કરતા રુબિયોએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના ગાઢ વ્યક્તિગત સંબંધો (Personal Relations) જ બંને દેશોની મજબૂત ભાગીદારીનો સૌથી મોટો પાયો છે. તેમણે ઉમેર્યું કે, બંને વૈશ્વિક નેતાઓ સમાન વિચારધારા ધરાવે છે. અમેરિકી વિદેશ મંત્રીએ પીએમ મોદીના મુક્તકંઠે વખાણ કરતા જણાવ્યું કે, “હું પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોટો પ્રશંસક (Big Fan) છું, કારણ કે તેમના કુશળ નેતૃત્વમાં (Leadership) ભારત એક વૈશ્વિક તાકાત તરીકે ઉભરી આવ્યું છે.” ભારત-અમેરિકાની આ વ્યાપક ભાગીદારી આગામી સમયમાં અસીમિત સંભાવનાઓ તરફ આગળ વધશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.